મુંબઈના ડોક્ટરને રસી લીધા બાદ ત્રણ વખત કોરોના થયો
મુંબઈ: મુંબઈમાં એક ડોક્ટર ત્રીજી વાર કોરોના સંક્રમિત થયા હોવાની જાણકારી સામે આવી છે. અહીં ચોંકાવનારી બાબત એ છે કે રસી લીધા પછી પણ ડોક્ટર મહામારીની ચપેટમાં આવ્યા છે. મુલુંડ વિસ્તારમાં રહેતા ડોક્ટર સૃષ્ટિ હલારી વર્ષ ૨૦૨૦માં જૂન મહિનામાં પહેલીવાર સંક્રમિત થયા હતા. આ વર્ષે તેમણે રસી લીધી હતી. જૂન ૨૦૨૦થી લઈને અત્યાર સુધી તેમને ત્રણ વાર કોરોના થયો છે. રસી લીધા પછી કોરોના થાય તે બાબતે ચાલી રહેલા અભ્યાસ અંતર્ગત ડોક્ટર સૃષ્ટિના સ્વૈબ સેમ્પલ્સને જીનોમ સિક્વન્સિંગ માટે કલેક્ટ કરવામાં આવ્યા છે.
ડોક્ટર્સના જણાવ્યા અનુસાર ત્રીજી વાર સંક્રમણની પાછળ અનેક કારણ જવાબદાર હોઈ શકે છે, જેમાં સાર્સ૨ વેરિયન્ટ, ઈમ્યુનિટી લેવલ અથવા ખોડા ડાયગ્નોસ્ટિક રિપોર્ટ જવાબદાર હોઈ શકે છે. બીએમસીના એક અધિકારીએ જણાવ્યું કે, રસી લીધી હોવા છતાં તે સંક્રમિત કઈ રીતે થયા તે ચકાસવા માટે અમે તેમના સેમ્પલ લીધા છે. એક સેમ્પલ બીએમસી તરફથી લેવામાં આવ્યું છે અને એક સેમ્પલ ખાનગી હોસ્પિટલ તરફથી લેવામાં આવ્યું છે.
અત્યારે સંક્રમણના કારણની તપાસ ચાલી રહી છે. ડોક્ટર સૃષ્ટિ ૧૭,જૂન ૨૦૨૦ના રોજ બીએમસી કોવિડ સેન્ટરમાં કામ કરતી વખતે સંક્રમિત થયા હતા. ત્યારપછી આ વર્ષે ૨૯ મે અને ૧૧ જુલાઈના રોજ સંક્રમિત થયા હતા. ડોક્ટર સૃષ્ટિ જણાવે છે કે, પહેલીવાર મને કોરોના થયો કારણકે એક સહકર્મીને કોરોના થયો હતો.
ત્યારપછી મેં પોસ્ટિંગ પૂરી કરી અને પીજી પ્રવેશ પરીક્ષા પહેલા બ્રેક લેવાનો ર્નિણય લીધો અને ઘરે જ રહી. જુલાઈમાં પિતા, ભાઈ સહિત આખા પરિવારને કોરોના થયો. ડોક્ટર સૃષ્ટિની સારવાર કરી રહેલા ડોક્ટર મેહુલ ઠક્કરે જણાવ્યું કે, શક્ય છે કે મે મહિનામાં થયું બીજું સંક્રમણ જુલાઈમાં ફરીથી એક્ટિવેટ થયું હોય. એફએમઆરના નિર્દેશક ડોક્ટર નરગિસ મિસ્ત્રી જણાવે છે કે, શક્ય છે કે આમ થવાનું કારણ કોરોનાનો કોઈ નવો વેરિયન્ટ હોય.