મુંબઈના નાહવા શેવા પોર્ટ પરથી રૂપિયા ત્રણ હજાર કરોડનું ૩૦૦ કિલો હેરોઈન ઝડપાયું
મુંબઈ: દેશમાં ડ્રગ્સ વિરોધી અભિયાનમાં ડાયરેક્ટરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. શુક્રવારે રાત્રે ડીઆરઆઈ દ્વારા નાહવા શેવા પોર્ટ ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં કરોડોની કિંમતનું ૩૦૦ કિલો હેરોઈન ઝડપાયું હતું.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડીઆરઆઈ દ્વારા હજી પણ વિવિધ સ્થળે તપાસ કરવામાં આવી રહી છે અને દરોડાની કામગીરી ચાલી રહી છે. જે ડ્રગ્સ પકડાયું છે તેની કિંમત અંદાજે ૩,૦૦૦ કરોડ હોવાનું માનવામાં આવી રહ્યું છે. અગાઉ માર્ચ મહિનામાં ભારતીય કોસ્ટ ગાર્ડ અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ કેરળમાં વિઝિનજામના દરિયાકિનારા નજીકથી શ્રીલંકન બોટમાંથી ૩૦૦ કિલોગ્રામ હેરોઇન, પાંચ એકે-૪૭ રાઇફલ અને મેગઝિન જપ્ત કર્યાં હતાં. છેલ્લા એક વર્ષમાં ભારતમાં માદક દ્રવ્યોની દાણચોરીમાં વધારો થયો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, દેશમાં સરકાર અને અધિકારીઓ કોરોનાની મહામારી સામે લડવામાં
વ્યસ્ત છે
ત્યારે માદક દ્રવ્યોની તસ્કરી અટકાવવા માટે કાયદા એજન્સીઓને હાઇ એલર્ટના આદેશ અપાયા છે. મહત્ત્વની વાત એ છે કે, નવી મુંબઈ ખાતે આવેલું આ પોર્ટ સરકારના જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ દ્વારા ઓપરેટ થાય છે. આ પોર્ટ ઉપર મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક જેવા રાજ્યોના અનેક કન્ટેનર આવે છે. દુનિયાભરમાં કેન્ટેનરો દ્વારા થતી આયાત અને નિકાસમાં આ પોર્ટ ખૂબ જ મહત્ત્વનું છે.