મુંબઈની ફિલ્મ સિટીને યુપીમાં આકર્ષવા યોગીના મુંબઈમાં ધામા
મુંબઇ, સૂચિત નોઈડા ફિલ્મ સિટીને લઈને ઉત્તરપ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામસામે
છે. સીએમ યોગી આજે મુંબઈના પ્રવાસ પર છે, જ્યાં તેઓ ફિલ્મ સિટીના રોકાણકારો સાથે મુલાકાત કરશે. સીએમ ઉદ્ધવ ઠાકરે ફિલ્મ સિટી બનાવવાના નોઇડાના પ્રયત્નોથી નારાજ છે અને કહે છે કે તેઓ તેમ થવા દેશે નહીં.
ગઈકાલે ઈન્ડિયન મર્ચન્ટ ઓફ ચેમ્બર્સ ઓફ કોમર્સમાં બોલતાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે મહારાષ્ટ્ર એક ચુંબકીય રાજ્ય છે. ઉદ્યોગપતિઓમાં મહારાષ્ટ્રનું આકર્ષણ આજે પણ કાયમ છે.રાજ્યમાંથી કોઈ ઉદ્યોગ બહાર જશે નહીં, પરંતુ અન્ય રાજ્યોના ઉદ્યોગપતિઓ પણ ઉદ્યોગો સ્થાપવા માટે મહારાષ્ટ્રમાં આવશે. રાજ્યના ઉદ્યોગો રાજ્યમાં જ રહેશે.
સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, સ્પર્ધા રાખવી એ સારી બાબત છે, પરંતુ જો કોઈ ચિલ્લાઈને કે ધમકાવીને કોઈ લઈ જવા ઈચ્છે છે તો હું તેમ થવા નહીં દઉં. આજે પણ કેટલાક લોકો તમને મળવા આવશે અને કહેશે અમારી પાસે આવો. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સીએમ યોગી આદિત્યનાથનું નામ લીધા વિના કહ્યું હતું, ‘જો તમારામાં દમ હોય તો અહીંના ઉદ્યોગોને બહાર લઈ જાઓ.
દરમિયાન સીએમ યોગી આદિત્યનાથ મુંબઈમાંજે ફાઇવ સ્ટાર હોટલમાં રોકાયા છે તેની બહાર મરાઠીમાં પોસ્ટર લગાવ્યા હતા. આ પોસ્ટરમાં નોઈડામાં સૂચિત ફિલ્મ સિટીને નિશાન બનાવવામાં આવ્યું હતું.
મનસેએ સીએમ યોગી આદિત્યનાથનું નામ લીધા વિના તેમને ઠગ ગણાવ્યા. મનસેએ તેના પોસ્ટરમાં લખ્યું છે કે, ‘દાદાસાહેબ ફાળકેએ બનાવેલું ફિલ્મ સિટીને યુપી લઈ જવાનું મુંગેરી લાલનું સપનું છે. પોસ્ટરમાં એવું પણ લખ્યું છે કે, ‘ક્યાં રાજા ભોજ, ક્યાં ગંગુ તેલી, ક્યાં મહારાષ્ટ્રનું વૈભવ અને ક્યાં યુપીની દરિદ્રતા. નિષ્ફળ રાજ્યની બેરોજગારી છુપાવવા માટે ઠગ મુંબઇના ઉદ્યોગોને યુપી લઈ જવા માટે આવ્યા છે.