મુંબઈનું ધમાકેદાર પ્રદર્શન, રાજસ્થાનને ૮ વિકેટે કચડ્યું
દુબઈ, નાથન-કોલ્ટર નાઈલ અને જેમ્સ નીશામની ઘાતક બોલિંગ બાદ ઓપનર ઈશાન કિશનની અડધી સદીની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે મંગળવારે શારજાહ ખાતે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે આઠ વિકેટે આસાન વિજય નોંધાવ્યો હતો. આઈપીએલ-૨૦૨૧ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મંગળવારે રમાયેલી મેચમાં રાજસ્થાનની બેટિંગ અત્યંત કંગાળ રહી હતી.
મુંબઈના સુકાની રોહિત શર્માએ ટોસ જીતીને રાજસ્થાનને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. પરંતુ મુંબઈની ઝંઝાવાતી બોલિંગ સામે સંજૂ સેમસનની આગેવાનીવાળી રાજસ્થાનની ટીમ ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૯૦ રન જ નોંધાવી શકી હતી. જેના જવાબમાં મુંબઈએ ૮.૨ ઓવરમાં બે વિકેટે ૯૪ રન નોંધાવીને મેચ જીતી લીધી હતી. મુંબઈ માટે નાથન કોલ્ટર નાઈલે ચાર તથા નિશામે ત્રણ વિકેટ ઝડપી હતી.
મુંબઈ સામે ૯૧ રનનો આસાન લક્ષ્યાંક હતો. સુકાની રોહિત શર્મા અને વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનની ઓપનિંગ જાેડીએ આ લક્ષ્યાંકને વધારે આસાન બનાવી દીધો હતો. આ જાેડીએ ૨૩ રનની ભાગીદારી નોંધાવી હતી. રોહિત ૨૨ રન નોંધાવીને આઉટ થયો હતો.
જ્યારે સૂર્યકુમાર યાદવે ૧૩ રનનું યોગદાન આપ્યું હતું. ઈશાન કિશન ૨૫ બોલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ સિક્સર સાથે ૫૦ રન નોંધાવીને નોટઆઉટ રહ્યો હતો. જ્યારે હાર્દિક પંડ્યાએ અણનમ પાંચ રન નોંધાવ્યા હતા. રાજસ્થાન માટે મુસ્તાફિઝુર રહેમાન અને ચેતન સાકરીયાએ એક-એક વિકેટ ઝડપી હતી. અગાઉ રાજસ્થાનની શરૂઆત સારી રહી હતી.
એવિન લૂઈસ અને યશસ્વી જયસ્વાલની જાેડીએ ૨૭ રનની ભાગીદારી નોંધાવી હતી. જાેકે, આ જાેડી તૂટ્યા બાદ રાજસ્થાનનો ધબડકો થયો હતો. ૫૦ રનના સ્કોરે રાજસ્થાને પોતાની ટોચની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. લૂઈસે ટીમ માટે સૌથી વધુ ૨૪ રન નોંધાવ્યા હતા જ્યારે જયસ્વાલે ૧૨ રન નોંધાવ્યા હતા.
સંજૂ સેમસન તથા શિવમ દૂબે ત્રણ-ત્રણ અને ગ્લેન ફિલિપ્સ ચાર રન નોંધાવીને પેવેલિયન ભેગા થયા હતા. ડેવિડ મિલર અને રાહુલ તેવાટિયાએ બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમને સફળતા મળી ન હતી. મિલરે ૧૫ અને તેવાટિયાએ ૧૨ રનનું યોગદાન આપ્યું હતું. મુંબઈ માટે કોલ્ટર-નાઈલે ચાર, નિશામે ત્રણ અને જસપ્રિત બુમરાહે બે વિકેટ ઝડપી હતી.SSS