મુંબઈમાં એક મહિલાએ ૭ વર્ષના પુત્ર સાથે ૧૨મા માળથી પડતું મૂક્યું, બંનેનાં મોત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/woamn-1024x682.jpg)
Files Photo
મુંબઇ: મુંબઈના અંધેરી વિસ્તારના ચાંદિવલીમાં ૪૪ વર્ષની મહિલા રેશ્મા તેંત્રિલે પોતાના ૭ વર્ષના પુત્ર ગરુણને લઈને ૧૨મા માળેથી પડતું મૂક્યું હતું. બંનેનાં મોત. રેશ્મા પૂર્વ પ્રત્રકાર હતી અને એક મહિના પહેલાં કોરોનાથી તેના પતિનું નિધન થયું હતું.
પોલીસના જણાવ્યા પ્રમાણે, રેશ્માએ પાડોશીનાં મેણાં-ટોણાંથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી. સુસાઇડ નોટમાં રેશ્માએ પોતાના પાડોશી આયુબ ખાન અને તેના પરિવાર પર માનસિક રૂપે હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે આયુબની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.રેશ્માએ કહ્યું હતું કે તેનો દીકરો જ્યારે રમતો હોય ત્યારે પાડોશીઓ તેને બહુ હેરાન કરતા હતા. બાળક રમે ત્યારે થોડોઘણો અવાજ પણ થાય તો તેમને તેનાથી પણ મુશ્કેલીઓ હતી. આ અંગે ઘણીવાર બંને પરિવાર વચ્ચે ઝઘડાઓ થતા રહેતા હતા. રેશ્માએ ૩૦મેએ ફેસબુક પોસ્ટ કરી હતી
એમાં આ વાતનો ઉલ્લેખ પણ કર્યો હતો.રેશ્માએ સોમવારે આત્મહત્યા કરી હતી, પરંતુ હજુ સુધી તેનો અંતિમ સંસ્કાર થયો નથી, કારણ કે તેના પરિવારનું કોઈ મુંબઈમાં રહેતું નથી. પોલીસ રેશ્માના ભાઈ અમેરિકાથી પરત આવે તેની રાહ જાેઈ રહી છે.
રેશ્માની સુસાઇડ નોટના આધારે પોલીસે આયુબ વિરુદ્ધ આત્મહત્યા કરવાનો ગુનો નોંધ્યો છે. ઝોનલ ડેપ્યુટી કમિશનર મહેશ્વર રેડ્ડીએ કહ્યું હતું કે ધરપકડ કરાયેલી વ્યક્તિના પરિવારે રેશ્માના બાળક દ્વારા અવાજ ઉઠાવવાની ફરિયાદ તેમની સોસાયટીમાં પણ કરી હતી. આ પછી સોસાયટીએ બંને પરિવારને બોલાવી સમાધાન કરાવ્યું હતું.
એ જ સમયે આયુબે પોતાની સ્પષ્ટતામાં કહ્યું હતું કે તેમના પરિવારના એક સભ્યને ગંભીર બીમારી છે અને રેશ્માના બાળકના અવાજને કારણે તે સૂઈ શકતો નથી, તેથી જ તેમણે સોસાયટીમાં ફરિયાદ કરી હતી.રેશ્માનો પતિ શરદ એક ઓનલાઇન ટ્રેડિંગ કંપનીમાં નોકરી કરતો હતો. શરદનાં માતાપિતા વારાણસીમાં રહેતાં હતાં, પરંતુ બંનેનું મોત કોરોનાથી થયું હતું.
શરદ તેની સારવાર માટે વારાણસી ગયો ત્યારે તેને પણ ચેપ લાગ્યો હતો. ચાર અઠવાડિયાંની સારવાર પછી ૨૩ મેના રોજ શરદનું પણ અવસાન થયું. પતિના મોત બાદ રેશ્મા ખૂબ જ અસ્વસ્થ હતી. તેણે સોશિયલ મીડિયા પર પણ લખ્યું હતું કે તેના પતિના ગયા પછી જીવન કેવી રીતે બદલાઈ ગયું અને તેને ઘણીબધી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.