મુંબઈમાં નકલી વેક્સિનેશન કાંડમાં ૪ની ધરપકડ કરાઈ
મુંબઈ: મુંબઈની હિરાનંદાની સોસાયટીમાં ૩૯૦ લોકોને નકલી વેક્સિન લગાડવાની ચકચારી ઘટનામાં આખરે પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે. અન્ય એક વ્યક્તિની પોલીસ પૂછપરછ કરી રહી છે. પોલીસનુ કહેવુ છે કે, આરોપીઓએ લોકોને જે ડોઝ આપ્યા હતા તે શેના હતા તેની તપાસ થઈ રહી છે.
પોલીસનુ કહેવુ છે કે, જે ચાર લોકોને પકડવામાં આવ્યા છે તેમાંથી એક આ રેકેટ ચલાવતો હતો. અન્ય એક વ્યક્તિ મોટી મોટી સોસાયટીઓમાં રસીકરણના કેમ્પનુ આયોજન કરતો હતો અને તે સિવાય બે આરોપી લોકોના ઓળખપત્ર ચોરી કરતા હતા. અન્ય એક વ્યક્તિની એમપીથી ધરપકડ કરવામાં આવી છે. જે વેક્સિન લાવતો હતો.
પોલીસને એવી પણ ખબર પડી છે કે, આ વેક્સિનના ડોઝ કોઈ અધિકૃત કેન્દ્રો પરથી લેવાયા નહોતા. આ સંજાેગોમાં લોકોને લાગેલી વેક્સિન પણ અસલી છે કે નકલી તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ૩૦ મેના રોજ હીરાનંદાની હાઉસિંગ સોસાયટીના પ્રાંગણમાં ૩૯૦ લોકોને કોવિશિલ્ડની રસી મુકવામાં આવી હતી.
રાજેશ પાંડે નામના એક વ્યક્તિએ પોતાને કોકીલાબેન અંબાણી હોસ્પિટલનો પ્રતિનિધિ ગણાવીને સોસાયટીની કમિટીનો સંપર્ક કર્યો હતો. એ પછી રસીકરણ અભિયાન હાથ ધરાયુ હતુ. સોસાયટીના સભ્યોએ રસી મુકાવવા માટે પાંચ લાખ રૂપિયા એકઠા કરીને આપ્યા હતા. આ મામલાની હવે પોલીસે તપાસ શરૂ કરી છે.
આ સંદર્ભમાં બે લોકોની પૂછપરછ માટે પોલીસે અટકાયત પણ કરી હતી.અહીં રહેનારા લોકો પાસેથી એક ડોઝ દીઠ ૧૨૫૦ રૂપિયા લેવાયા હતા. જાેકે ડોઝ મુકયા પછી મોબાઈલ પર કોઈ જાતનો મેસેજ નહીં આવતા લોકોને શંકા ગઈ હતી. ઉપરાંત રસી મુકતી વખતે લોકોને સેલ્ફી લેવાની મંજૂરી અપાઈ નહોતી. સોસાયટીમાં રસી મુકાવનારા એક પણ વ્યક્તિને તાવ કે બીજી કોઈ આડઅસર પણ દેખાઈ નહીં હોવાથી લોકોની શંકા વધારે મજબૂત બની હતી.