Western Times News

Gujarati News

મુંબઈમાં પેટ્રોલની કિંમત કરતાં ન્યૂયોર્કમાં અડધો ભાવ

નવી દિલ્હી, એક તરફ કોરોના વાયરસ છે તો બીજી તરફ પેટ્રોલ અને ડીઝલનો વધતો ભાવ છે કે જેના કારણે સામાન્ય પ્રજાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દેશમાં ઘણી જગ્યા પર પેટ્રોલની કિંમત ૧૦૦ રુપિયાને પાર પહોંચી ગઈ છે અને આ જગ્યાઓમાં ભારતની આર્થિક રાજધાની મુંબઈનો પણ સમાવેશ થાય છે.

મુંબઈમાં પહેલીવાર પેટ્રોલની કિંમત ૧૦૦ને પાર પહોંચી ગઈ છે. મુંબઈ કરતા સસ્તુ પેટ્રોલ અમેરિકાના ન્યુયોર્કમાં મળી રહ્યું છે. ન્યુયોર્કમાં પેટ્રોલની કિંમત અત્યારે મુંબઈ કરતા અડધી છે. આ વર્ષે મુંબઈમાં પેટ્રોલની રિટેલ કિંમતમાં ૧૧%નો વધારો થયો છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના ડેટા પ્રમાણે પેટ્રોલનો ભાવ મુંબઈમાં સોમવારે ૧૦૦.૪૭ રુપિયા પ્રતિ લીટર થઈ ગયો છે.

બ્લુમબર્ગ કેલક્યુલેશન મુજબ ન્યુયોર્કમાં સોમવારે પેટ્રોલની કિંમત ૦.૭૯ ડૉલર (ભારતીય નાણા પ્રમાણે ૫૭.૪૯ રુપિયા) પ્રતિ લીટર હતી. આ કેલક્યુલેશન ન્યુયોર્ક સ્ટેટ એનર્જી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીના આંકડા પર આધારિત છે. અમદાવાદની વાત કરીએ તો અહીં પણ પેટ્રોલનો ભાવ ૯૦ને પાર પહોંચી ગયો છે.

૨૦૧૩ પછી પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ લગભગ ૬ ગણો વધી ગયો છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર બન્ને મળીને રિટેલ પેટ્રોલ પર ૬૦% અને ડીઝલ પર ૫૪% ટેક્સ લઈ રહી છે. હાલમાં કેન્દ્ર સરકાર પેટ્રોલ પર ૩૨.૯૦ રુપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર ૩૧.૮૦ પ્રતિ લીટરના દરે સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટી વસુલે છે. પાછલા વર્ષે નરેન્દ્ર મોદી સરકારે વારંવાર ફ્યુઅલ પર ટેક્સ વધાર્યો હોવાના કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત વધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.