મુંબઈમાં પ્રથમ વખત બ્રેઈન ડેડ વ્યક્તિના હાથનું ટ્રાન્સપ્લાન્ટ
મુંબઈ, બ્રેઈન ડેડ વ્યક્તિના હ્રદય, કિડની, લીવર કે પછી આંખોનું દાન કરીને કોઈકને નવી જિંદગી અપાઈ હોય તેવા અનેક કિસ્સા તમે સાંભળ્યા હશે. જાેકે, મુંબઈમાં પહેલીવાર બ્રેઈન ડેડ વ્યક્તિના હાથનું દાન કરવામાં આવ્યું છે. આ વ્યક્તિનો હાથ ૨૧ વર્ષના એક યુવકને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યો હતો. આ સર્જરી બીએમસી દ્વારા ચલાવાતી કેઈએમ હોસ્પિટલમાં કરવામાં આવી હતી.
ટ્રાન્સપ્લાન્ટના ૧૯ દિવસ બાદ હાલ યુવકની સ્થિતિ સારી છે, અને તેનું શરીર નવા હાથને અપનાવી રહ્યું છે. મૂળ મધ્યપ્રદેશના ૨૧ વર્ષના રાહુલ અહિરવારના બંને હાથ મશીનમાં આવી જવાથી કોણી સુધી કપાઈ ગયા હતા. આ દુર્ઘટના બની ત્યારે રાહુલ માત્ર ૧૯ વર્ષનો હતો. બે વર્ષ સુધી બંને હાથ ગુમાવ્યાની પીડા ભોગવનારા રાહુલને મુંબઈની કેઈએમ હોસ્પિટલમાં હાથનું ટ્રાન્સ્પ્લાન્ટ શરુ થવાનું છે તેવી કોઈએ માહિતી આપી હતી. રાહુલ મોટી આશા સાથે કેઈએમ હોસ્પિટલ પહોંચ્યો હતો.
ડૉક્ટર્સ તો તેને બંને હાથ મળે તેવું ઈચ્છતા હતા, પરંતુ ડોનરના એક હાથમાં કોઈ પ્રોબ્લેમ હોવાથી માત્ર એક જ હાથનું ટ્રાન્સ્પ્લાન્ટ શક્ય બન્યું હતું. દર્દી હરિયાણાની એક કાર મેન્યુફેક્ચરિંગ કંપનીમાં કામ કરતો હતો. જાેકે, નોકરીના ૧૫મા દિવસે જ તેના બંને હાથ મશીનમાં આવી ગયા હતા.
અકસ્માત બાદ તે પોતાના વતન પરત ફર્યો હતો. નવા હાથની આશાએ તે સૌ પહેલા સપ્ટેમ્બર ૨૦૨૦માં મુંબઈ આવ્યો હતો. ત્યારથી આ ટ્રાન્સ્પ્લાન્ટ માટે પ્રયાસ શરુ કરવામાં આવ્યા હતા. પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા ડૉ. વિનિતા પુરીના જણાવ્યા અનુસાર, પેશન્ટની સ્થિતિ હાલ ઘણી સારી છે. જાેકે, તેને નવો હાથ સંપૂર્ણ કામ કરતો થાય તે માટે ઘણી મહેનત કરવાની છે. તેને ટ્રીટમેન્ટ અને ફિઝિયો માટે એક વર્ષ મુંબઈમાં જ રહેવું પડશે.
રાહુલને હાથનું દાન કરનારા બ્રેઈન ડેડ યુવકના પરિવારજનોને હોસ્પિટલ દ્વારા તેના માટે તૈયાર કરવામાં આવ્યા હતા. સર્જરી સફળ રહ્યા બાદ પણ રાહુલને હજુય કેટલાક અઠવાડિયા હોસ્પિટલમાં જ કાઢવા પડશે. ટ્રાન્સ્પ્લાન્ટેશન તેમજ દવાઓ પાછળ થયેલા ખર્ચ માટે એમપી સરકાર તરફથી રાહુલને ૫.૫ લાખ રુપિયાની મદદ આપવામાં આવી હતી, આ સિવાય હોસ્પિટલે પણ તેના માટે ફંડ એકત્ર કરવામાં પોતાનાથી બનતા તમામ પ્રયાસ કર્યા હતા. રાહુલ જણાવે છે કે, તેની પાસે વધારે રુપિયા તો નથી, પરંતુ તેને વિશ્વાસ છે કે લોકો ચોક્કસ તેને મદદ કરશે. રાહુલ સાજાે થયા બાદ પોતાના ગામ પરત ફરીને ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ સિવિલ સર્વિસિસની પરીક્ષા આપવા માગે છે.