મુંબઈમાં ભારે વરસાદઃ ૨ દિવસ માટે ઓરેન્જ એલર્ટ
નવીદિલ્હી: ભારતના હવામાન વિભાગ (આઇએમડી) એ આગાહી કરી છે કે, આગામી ૨ દિવસ દિલ્હીમાં શુષ્ક વાતાવરણ રહેશે અને સપ્તાહના અંતમાં વરસાદ થશે. દરમિયાનમાં મુંબઈમાં વરસાદ શરૂ થયો છે. ઉલ્લેખનીય છે કે, આગામી બે દિવસ મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે આગામી ૨ દિવસ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યુ છે. જેમાં મુંબઈ અને આજુબાજુના દરિયાકાંઠાના વિસ્તારોમાં મુશળધાર વરસાદની આગાહી છે.
હવામાન વિભાગ અનુસાર શુક્રવારે રત્નાગીરી જિલ્લા અને શનિવારે રાયગઢમાં ભારે વરસાદની સંભાવના છે. નોંધપાત્ર વાત એ છે કે ગત મહિને રત્નાગીરી જિલ્લામાં આવેલા ચક્રવાતી વાવાઝોડા નિસર્ગને કારણે પણ ઘણું નુકસાન થયું હતું.
મુંબઈના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૨૪ કલાકમાં ૬૪.૫ મિલીમીટરથી ૧૧૫.૫ મિલીમીટર વચ્ચે અને ૧૧૫.૫ મિલીમીટરથી ૨૦૪.૫ મિલીમીટર વચ્ચે થયેલ ભારે વરસાદને સૌથી વધુ પડેલો વરસાદ માનવામાં આવે છે. હવામાન વિભાગના અન્ય અધિકારીએ જણાવ્યું કે શુક્રવાર અને શનિવાર માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. વહીવટી તંત્ર અને લોકોને સાવચેત રહેવા જણાવાયું છે. આ દરમિયાન, મુંબઇ પોલીસે લોકોને પોતાનું ઘર ન છોડવાની વિનંતી કરી છે.