મુંબઈમાં માસ્કના નિયમના પાલન માટે માર્શલ્સ તૈનાત
નવી દિલ્હી: ભારતમાં વેક્સિનેશનના મહાઅભિયાન વચ્ચે કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. કોરોના એક જ દિવસમાં ત્રણ અઠવાડિયાની ટોચની સપાટીએ પહોંચ્યો છે. ભારતમાં શુક્રવારે ત્રણ અઠવાડિયામાં એક જ દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયો હતો.
એક જ દિવસમાં ૧૩,૧૯૩ કેસો મળી આવ્યા હતા. આમ શુક્રવારે દેશમાં કોરોનાના કેસો આશરે ૧.૧ કરોડની નજીક પહોંચી ગયા હતા. જે અમેરિકા બાદ બીજા ક્રમે છે. દેશમાં મોતનો આંકડો પણ ૧,૫૬,૦૦૦ થયો છે. મહારાષ્ટ્રમાં છેલ્લાં ત્રણ મહિનાની ટોચની સપાટી પહોંચી છે. જેને પગલે રાજ્યની સરકારે અનેક જિલ્લામાં લોકડાઉનની જાહેરાત કરી છે અને વર્ધામાં તો ૩૬ કલાકનો કરફ્યૂ પણ લાદી દીધો છે. મુંબઈમાં માસ્ક પહેરવાના નિયમનું પાલન કરવા માટે માર્શલ્સ તૈનાત કરાયા છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ૧૩,૧૯૩ નવા દર્દીઓ નોંધાયા છે, તો આ દરમિયાન ૧૦,૮૯૬ લોકો સ્વસ્થ થાય છે. દેશમાં એક દિવસમાં કોરોનાથી ૯૭ લોકોના મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં અચાનક કેસો વધી જતાં લોકોમાં ગભરાટ ફેલાયો છે. જે છેલ્લાં ત્રણ મહિનામાં સૌથી વધુ છે.
શુક્રવારે રાજ્યમાં કોરોના ૬,૧૧૨ લોકો પોઝિટિવ જાહેર થયા હતા. આમ કોરોનાના સક્રિય કેસોની સંખ્યા વધીને ૪૪,૭૬૫ થઇ છે. છેલ્લાં થોડાક દિવસોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. આ વાયરસનો ફેલાવો અટકાવવા માટે મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં લોકડાઉન જાહેર કરાયું છે.
આ બીમારીથી ૨૪ કલાકમાં ૪૪ લોકો મોતને ભેટ્યા છે. મુંબઇમાં ૨૪ કલાકમાં કોરોનાના ૮૨૩ કેસો નોંધાયા છે. યવતમાલમાં સ્થિતિ વણસતા લોકડાઉનના આદેશ જારી કરાયો છે.