મુંબઈમાં મેઘાનું તાંડવ યથાવત, ભારે વરસાદનાં કારણે લોકલ ટ્રેનો પ્રભાવિત
મુંબઈ: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મેઘરાજાનું તાંડવ યથાવત છે. અહી ઘણા વિસ્તારોમાં સતત ભારે વરસાદને કારણે મોટી સમસ્યાઓ સામે આવી રહી છે. મોડી રાત્રે ભારે વરસાદના કારણે થાણે જિલ્લાની ભિવંડી શાકમાર્કેટમાં પાણી ભરાયા હતા. જેના કારણે શાકભાજીઓને ભારે નુકસાન થયું છે. કેટલાક લોકો પાણીમાં શાકભાજી એકત્રિત કરતા જાેવા મળ્યા હતા. અવિરત વરસાદને કારણે મુંબઈનાં બદલાપુરમાં પણ રસ્તાઓ પાણીમાં જાણે અદ્રશ્ય થઇ ગયા છે. ઉપરાંત મુંબઈની રેલ્વે ટ્રેક પર વરસાદી પાણી ભરાઇ ગયા હોવાના કારણે ટ્રેનોની અવર-જવર પર અસર પડી છે.
મુંબઈમાં ભારે વરસાદનાં કારણે કહેર સર્જાયો છે, હવામાન વિભાગે અહીં રેડ એલર્ટ જારી કર્યું છે. ભારે વરસાદનાં કારણે ઉંબેરમાલી રેલ્વે સ્ટેશન અને કસારા વચ્ચે લોકલ ટ્રેન સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે, જ્યારે રેલ્વે ટ્રેક પર પાણી ભરાવાના કારણે ઇગતપુરી અને ખારદી વચ્ચેની ટ્રેન સેવાઓ પણ ખોરવાઈ હતી. વહીવટી તંત્રએ લોકોને અપીલ કરી છે કે, તેઓ જરૂર હોય તો જ ઘરની બહાર આવે. બીએમસીનાં જણાવ્યા અનુસાર બુધવારે મુંબઇમાં ૬૮.૭૨ મીમી વરસાદ થયો હતો.
હવામાન ખાતાનાં તાજેતરનાં અપડેટ મુજબ મુંબઈ જ નહીં, આગામી ૨ કલાક દરમ્યાન દક્ષિણ-પશ્ચિમ, પશ્ચિમનાં અલગ-અલગ વિસ્તારો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ તીવ્રતા સાથે વરસાદ પડશે. ઉત્તર પશ્ચિમ, ઉત્તર દિલ્હી, જીંદ, રોહતક, કૈથલ, રેવાડી, બાવલ, તિજારા, કાસગંજ, ભરતપુર, નદબઈ, ડીગ અને બરસાનામાં ભારે વરસાદ પડી શકે છે.
આઇએમડીએ કહ્યું છે કે, ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં ચક્રવાત જેવી પરિસ્થિતિ પ્રવર્તે છે, જેના કારણે દેશનાં ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. તેમણે આજથી ૨૪ કલાક દરમ્યાન કર્ણાટક, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી, ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ, ઉત્તર પૂર્વ રાજસ્થાન, ઉત્તર કોંકણ, બિહાર અને બંગાળમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હિમાચલ-ઉત્તરાખંડમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યુ છે.