મુંબઈમાં વેપારીને વિધિના બહાને બોલાવી રોકડ અને સોનાની મૂર્તિ લઈ બે ઠગ ભગત ફરાર
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મુંબઈના એક વેપારીને વારંવાર મળીને તેને બાટલીમાં ઉતાર્યા બાદ વેપારીને ધંધામાં બરકત માટે બે તોલાની મૂર્તિ તથા ૩૩ હજારની રોકડ મંગાવીને બે મહારાજે છેતરપીંડી આચરવાની ફરીયાદ હવેલી પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી છે.
લક્ષ્મણભાઈ ચોગારામ લુહાર મુંબઈમાં કુલુપવાડી ખાતે રહે છે. અને એમ્બ્રોઈડરીનું કારખાનું ચલાવે છે. પાંચેક વર્ષ અગાઉ તેમના ઘરે દક્ષિણા માંગવા, એક મહારાજ આવ્યા હતા.
જે મૂળ રાજસ્થાનના વિજાપુરનો વતની હોવાનું જાણવા મળ્યુ હતુ. એ અવારનવાર લક્ષ્મણભાઈના ઘરે આવતા તેની સાથે ઓળખણ થઈ હતી. દરમ્યાનમાં ધધા રોજગાર અને ઘરની શાંતિ માટે વિધિ કરાવવા માટે અવારનવાર તે લક્ષ્મણભાઈ પાસેથી દાગીના તથા રૂપિયા લઈ અને બાદમાં પરત ફરી જતાં હતા.
પંદર દિવસ અગાઉ તેમણે ફોન પર મહારાજને ધધો સારો ન ચાલતો હોવાની વાત કરતા મહારાજે વિધિ કરવાના બહાને તેમની પાસે બે તોલા સોનાની નાગની મૂર્તિ અને ૩ર હજાર રૂપિયા રોકડા સાથે અમદાવાદ ખાતે બોલાવ્યા હતા. લક્ષ્મણભાઈ તેમના મિત્ર સાથે ગઈકાલે અમદાવાદ આવ્યા હતા. અને મહારાજને મળ્યા હતા. બાદમાં લક્ષ્મણભાઈ તેમના મિત્ર તથા મહારાજ અને તેનો સાગરીત ચારેય જણા જમાલપુર સ્મશાન ગૃહે આવીને ફુલહાર જેવી વસ્તુઓની ખરીદી કરીને મહારાજે લક્ષ્મણભાઈને તેમના મિત્ર સાથે લાલ દરવાજા ખાતે મોકલ્યા હતા.
ભરોસો રાખીને લક્ષ્મણભાઈએ રોકડ અને સોનાની મૂર્તિ મહારાજને આપી દીધી હતી. જા કે રાતે સાડા આઠ વાગ્યે પરત ફરેલા લક્ષ્મણભાઈને બંન્ને મહારાજ મળ્યા નહોતા. અને ફોન પર સંપર્ક કરવા છતાં તેમાં પણ નિષ્ફળતા મળી હતી. જેથી લક્ષ્મણભાઈને પોતાની સાથે છેતરપીંડી થયાનો અહેસાસ થયો હતો. બાદમાં તેમણે બંન્ને લેભાગુ, મહારાજ વિરૂધ્ધ ઠગાઈની ફરીયાદ નોંધાવી હતી.