મુંબઈમાં હાઈટાઈડની ચેતવણી, દરિયામાં ઉઠી શકે છે 3 મીટર ઉંચી લહેરો

મુંબઈ, મુંબઈમાં આખી રાત વરસાદ વરસ્યા બાદ આજે એટલે કે 15મી જુલાઈના રોજ ભારે વરસાદ અને હાઈટાઈડની ચેતવણી આપવામાં આવી છે. મુંબઈમાં સાંજે અંદાજે સાત વાગ્યે હાઈટાઈડની આશંકા છે. હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે હાઈટાઈડ વખતે દરિયામાં 3 મીટર કરતા પણ ઉંચા મોજા ઉછળી શકે છે. આ કારણે લોકોને એલર્ટ કરી દેવાયા છે અને તેમને દરિયાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.
મૂશળધાર વરસાદના કારણે મુંબઈમાં સર્વત્ર પાણી ભરાયા છે અને અનેક વિસ્તારો જળબંબાકાર છે. સબવેમાં પણ ભારે પાણી ભરાયા છે અને કાયમના જેમ મુંબઈમાં જળભરાવાની સમસ્યા પણ સામે આવી છે. આ સાથે જ સાંજે સાત કલાકે હાઈટાઈડની ચેતવણી જાહેર કરવામાં આવી છે. મુંબઈના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય કેટલાક સ્થળે યેલો એલર્ટ પણ જાહેર કરાયું છે.
છેલ્લા 24 કલાકની વાત કરીએ તો અનેક વિસ્તારોમાં 160 મિલીમીટર જેટલો વરસાદ વરસ્યો છે. મુંબઈના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે અને આખા અઠવાડિયા સુધી તે ચાલુ જ રહેશે તેવું અનુમાન છે.
ભારે વરસાદ બાદ મુંબઈના કિંગ સર્કલમાં રસ્તાઓ પર ડૂબી જવાય તેટલા પાણી ભરાયા છે જેથી પરિવહનને લગતી મુશ્કેલીઓ પણ અનુભવાઈ રહી છે.