મુંબઈમાં ૨૦૧૯ની તુલનામાં ૨૦૨૧માં હાર્ટ એટેકથી મોતના કેસમાં ૨૦૬ ટકાનો વધારો
મુંબઈ, મુંબઇગરાઓને જાણે તેમનું હૃદય દગો દઇ રહ્યું છે. અહીં હાર્ટ એટેકથી ૨૦૧૯ની તુલનામાં ૨૦૨૧ના પ્રથમ ૬ મહિનામાં જ ૨૦૬ ટકા વધુ મોત થયા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ આંકડો બીએમસી (બૃહદ મુંબઈ કોર્પોરેશન) સ્વાસ્થ્ય વિભાગે એક આરટીઆઈના જવાબમાં જાહેર કર્યો છે. આ આંકડાને લઇને વિશેષજ્ઞોએ ચિંતા વ્યક્ત કરી છે.
આરટીઆઈ કાર્યકર્તા ચેતન કોઠારીએ મુંબઇમાં વિભિન્ન બિમારીથી થતી મોતોની જાણકારી બીએમસી સ્વાસ્થ્ય વિભાગ પાસેથી માગી હતી.બીએમસી અનુસાર વર્ષ ૨૦૨૧માં શહેરમાં ૧,૦૮,૧૧૩ લોકોના મોત થયા હતા. તેમાંથી બીએમસીએ ૭૫,૧૬૫ મૃત્યુ (જાન્યુઆરીથી જૂન ૨૦૨૧ સુધી)નું વિશ્ર્લેષણ કર્યું છે.
તેમાંથી ૧૭,૮૮૦ લોકોના મોત હૃદયરોગના હુમલાથી થયા છે. જ્યારે વર્ષ ૨૦૧૯માં હાર્ટ એટેકથી ૫,૮૪૯ લોકોના જીવ ગયા હતા.આ અંગે ડો. પવનકુમાર (કાર્ડિયાક સર્જન લીલાવતી હોસ્પિટલ) કહે છે-વિલંબ અને અપૂરતી સારવારના કારણે મહામારી દરમિયાન હૃદયના રોગ વધ્યા હતા. કોરોનાના ડરથી એ લોકો સમયસર હોસિપટલે નહોતા પહોંચ્યા આથી જીવ ગુમાવી ચૂક્યા હતા.
જ્યારે કોરોના મૃત્યુ સમીક્ષા સમિતિના પ્રમુખ ડો. અવિનાશ સૂર્યે જણાવ્યું હતું કે, કેટલાય દર્દીઓના મોત કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યાના એક સપ્તાહ કે એક મહિના બાદ થયા હતા. તેમના મોતનું કારણ થ્રોમ્બોટિક (લોહી જામી જવું) રહ્યું હતું.HS2KP