મુંબઈ: આંગડિયાની ઓફિસમાં GST વિભાગના દરોડા: 9 કરોડની રોકડ અને 20 કિલો ચાંદી જપ્ત
મુંબઈ, મુંબઈના મશહૂર કાલબાદેવી માર્કેટમાં શનિવારે જીએસટીની એક ટીમે આંગડિયા પેઢીમાં દરોડા પાડ્યા. દરોડા દરમિયાન માત્ર 35 સ્ક્વેર ફૂટની ઓફિસમાં પહેલા તો અધિકારીઓને કંઈ પણ શંકાસ્પદ લાગ્યુ નહીં.
એક સમયે જીએસટીના અધિકારીને લાગ્યુ કે તેમના દરોડાથી કોઈ ફાયદો નથી પરંતુ થોડા સમય બાદ જ્યારે એક અધિકારીએ ઓફિસની ફર્શ પર ચાલવાનુ શરૂ કર્યુ તો કંઈ અજુગતુ લાગ્યુ.
એક અધિકારી જ્યારે ફર્શ પર ચાલવા લાગ્યા તો તેમને શંકા ગઈ કે ફર્શની ટાઈલ્સ કંઈક ઉપર નીચે છે. અધિકારીએ જ્યારે યોગ્ય રીતે ટાઈલ્સની તપાસ કરી તો બે ટાઈલ્સ થોડી ઉપર નીચે હતી અને બંને ટાઈલ્સ હલી રહી હતી. જે બાદ અધિકારીઓએ પેંચકસ અને અન્ય ઓજારોથી ટાઈલ્સને હટાવવાનુ શરૂ કરી દીધુ. થોડી મહેનત બાદ અધિકારીઓએ ટાઈલ્સને હટાવી દીધી અને જોયુ કે ફર્શની નીચે કેટલીક બોરીઓ રાખેલી છે.
જીએસટી અધિકારીઓએ જ્યારે તે બોરીઓને બહાર કાઢી તો ત્યાં હાજર તમામ અધિકારીઓ દંગ રહી ગયા. બોરીઓમાંથી અધિકારીઓને કરોડો રૂપિયા મળ્યા. રૂપિયા એટલા હતા કે અધિકારીઓને ગણવામાં 6 કલાક લાગ્યા.
ફર્શની અંદર રાખેલી બોરીઓમાં લગભગ 9 કરોડ કરતા વધારેની રોકડને જમા કરીને રાખવામાં આવી હતી. એટલુ જ નહીં જીએસટી અધિકારીઓએ જ્યારે ઓફિસની બીજી જમીનની તપાસ કરી તો તેમાં પણ કેટલીક બોરીઓ રાખેલી હતી જેની અંદરથી 20 કિલો ચાંકી નીકળ્યુ.
કાલબાદેવી સ્થિત ચામુંડા બુલિયનની ઓફિસમાંથી દરોડામાં આટલા મોટા પ્રમાણમાં રોકડ મળ્યા બાદ હવે આ કેસની ઈનકમ ટેક્સની ટીમ પણ તપાસ કરી રહી છે.
અધિકારી એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આખરે આ રુપિયા ચામુંડા બુલિયનની પાસે ક્યાંથી આવ્યા. હાલ આ મામલે ચામુંડા પોલીસનુ કહેવુ છે કે આ રોકડ અને ચાંદી વિશે તેમને કોઈ જાણકારી નથી.