મુંબઈ થી ડ્રગ્સ મંગાવનાર ભરૂચના ડુંગરી ખાતે રહેતા રિસીવરને એસ.ઓ.જી એ ઝડપી પાડ્યો
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, મુંબઈમાં ઈકરામ અને ફહદની મુલાકાત થઈ હતી : ડ્રાઈવિંગનું કામ કરતો યુવાન ડ્રગ્સના રવાડે ચઢ્યો મુંબઈથી મ્યાઉં મ્યાઉં મોફેડ્રીન ડ્રગ્સ લઈને આવેલાં ઈકરામ પાસે ભરૂચના ડુંગરી વિસ્તારમાં સિંધીવાડ ટેકરા ખાતે રહેતો ફહદ નામનો યુવાને માલ મંગાવ્યો હોવાનું એસઓજીની તપાસમાં બહાર આવ્યું છે. ડ્રાઈવિંગ કરી ગુજરાન ચલાવતા ફહદે નશા માટે તેમજ ધંધો કરવા માટે ડ્રગ્સ મંગાવ્યું હોવાનું ખુલ્યું છે. જોકે પોલીસે બંનેના કોરોના ટેસ્ટ નેગેટિવ આવતાં તેમના રિમાન્ડ મેળવવાની કવાયત હાથધરી છે.
ભરૂચ એસઓજીની ટીમે ઝાડેશ્વર ચોકડીએ થી મુંબઈ થી લક્ઝરી બસમાં આવેલાં ઈકરામ યુસુફ પટેલ નામના શખ્સને ૪.૩૪ લાખની મત્તાના ૪૩ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો હતો.પોલીસની પુછપરછમાં ભરૂચના ડુંગરી સિંધીવાડ ટેકરો વિસ્તારમાં રહેતાં ફહદ ફારૂક કાની નામના યુવાને તેની પાસેથી ડ્રગ્સ મંગાવ્યું હોવાનું કબૂલ્યું હતું.જેથી ટીમે તેની ધરપકડ કરી બંનેની ઉલટ તપાસ શરૂ કરી હતી. જેમાં ફહદે જણાવ્યું હતું કે તેને નશાની લત હોઈ તે આ પ્રકારના વ્યસન કરે છે.હાલમાં તે એપીએમસી ખાતે ડ્રાઇવરનું કામ કરે છે.બે મહિના પહેલાં તે મુંબઇમાં પ્રસંગમાં ગયો હતો.ત્યારે તેની મુલાકાત ઈકરામ સાથે થઈ હતી.
ઉપરાંત તે ઈકરામ પણ મુળ ભરૂચના કંથારિયાનો વતની હોઈ તેમનો પરિચય વધતાં ત્યાં તેઓએ સાથે ડ્રગ્સ સેવન કર્યું હતું.જે બાદ ફહદે તેના શોખ માટે તેમજ ધંધો કરવા ઈકરામ પાસે ડ્રગ્સ મંગાવ્યું હતું. જોકે પહેલી જ ડિલિવરીમાં ઈકરામ ઝડપાયો હોવાનું તેઓએ કબૂલ્યું છે.પોલીસે બન્નેના નેગેટિવ આવતાં રિમાન્ડની કવાયત હાથધરી છે.
એસઓજીની ટીમે હાલમાં ઈકરામની સઘન પૂછપરછ શરૂ કરી છે.તેણે ડ્રગ્સનો જથ્થો કોની પાસેથી લાવ્યો તેમજ આ સિવાય પણ અન્ય કોઈ સ્થળે ડ્રગ્સની હેરાફેરી કરી છે કે કેમ તેની પણ તપાસ ટીમે શરૂ કરી છે.