મુંબઈ: બિલ્ડિંગના ૧૮માં માળે ભીષણ આગ, ૭ લોકોના મોત
મુંબઈ, મહારાષ્ટના મુંબઈમાં એક ૨૦ માળની બિલ્ડિંગમાં ભયાનક આગ લાગી છે. આ દુર્ઘટના મુંબઈના તાડદેવ વિસ્તારમાં થઈ છે. કમલા બિલ્ડિંગના ૧૮માં માળે આગ લાગી છે. આ આગ લેવલ ૩ની છે. દુર્ઘટનામાં અત્યાર સુધી ૭ લોકોના મોત થયા છે, જ્યારે ૧૫થી વધુ લોકોને ઈજા પહોંચી છે. આજે સવારે ૭ કલાક આસપાસ અહીં આગ લાગી હતી.
મહત્વનું છે કે આગ લાગવાના સમાચાર મળતા ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધું છે. આ સમયે ત્યાં ૨૧ ફાયરની ગાડીઓ હાજર છે. બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે.
બીએમસી પ્રમાણે દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. તેમની સારવાર ચાલી રહી છે. દુર્ઘટનાસ્થળ પર પાંચ એમ્બ્યુલન્સ હાજર છે. મહત્વનું છે કે દુર્ઘટનાના સમાચાર મળતા મુંબઈના મેયર કિશોરી પેડનેકર પણ પહોંચી ગયા છે. તેમણે હાજર અધિકારીઓ પાસે માહિતી મેળવી છે. ત્યારબાદ મેયર હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોના હાલચાલ જાણવા માટે પહોંચ્યા હતા. બિલ્ડિંગમાં ફસાયેલા મોટા ભાગના લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે.
ફાયર બ્રિગેડે જણાવ્યું પ્રમાણે આગામી ૩થી ૬ કલાકમાં માહિતી મળશે કે દુર્ઘટનામાં કેટલા લોકોના મૃત્યુ થયા અને કેટલા લોકોને ઈજા પહોંચી છે. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે.HS