મુંબઈ બેકાબૂ : શહેર ખુલતાની સાથે જ અનેક વિસ્તારોમાં ભારે ભીડ
મુંબઈ: કોરોનાના ભયને કારણે લગભગ દોઢ મહિના સુધી લોક રહેલું મુંબઇ ફરી અનલોક થયું હતું. જાે કે, અનલોક થતા જ મુંબઈના માર્ગો પર જે નજારો જાેવા મળ્યો હતો, તે મુશ્કેલીમાં વધારો કરી શકે છે. શહેર ખુલતાની સાથે જ અનેક વિસ્તારોમાં ભારે ભીડ જાેવા મળી રહી છે. ઇસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસ વે પણ કેટલાક કિલોમીટર સુધી જામ રહ્યો હતો. આ દરમિયાન લોકો સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પણ ઉલ્લંઘન કરતાં જાેવા મળ્યા.
લોકો ઓફિસ જવા માટે બેસ્ટ બસ સ્ટોપ પર લાઇનોમાં ઉભા જાેવા મળ્યા હતા. હાલમાં, એક સમયે માત્ર એટલા જ લોકો બસમાં જઇ શકશે, જેટલી સીટો ઉપલબ્ધ છે. કોઈને બસમાં ઊભા-ઊભા જવાની મંજૂરી નથી. થાણે શહેરથી મુંબઇ આવતી ટ્રેનોની સંખ્યામાં આજે નોંધપાત્ર વધારો થયો હતો. જેના કારણે મુલુંડ ચેક નાકા પાસે લાંબો ટ્રાફિકજામ રહ્યો હતો. પોઝિટિવિટી દર અને ઓક્સિજન બેડની ઉપલબ્ધતાના આધારે મુંબઇને કેટેગરી-૩ માં મૂકવામાં આવ્યું છે.
સોમવાર સવારથી બેસ્ટ બસોમાં મુસાફરી કરવા લોકોની લાંબી કતારો જાેવા મળી રહી છે.મુંબઇ સ્થાનિકમાં ભીડને કાબૂમાં રાખવા માટે રેલવેએ સોમવારથી વિશેષ ડ્રાઇવ શરૂ કરી છે, જેથી ફક્ત આવશ્યક સેવાઓ સાથે જાેડાયેલા લોકો જ મુસાફરી કરી શકે. જાેકે અનલોકના પહેલા દિવસે મુંબઈમાં જે પરિસ્થિતિ દેખાઈ, તેનાથી ફરીથી કોરોનાનું જાેખમ વધી શકે છે.