મુંબઈ: બેસ્ટના કર્મીઓને ૫-૧૦ રૂપિયાના સિક્કામાં પગાર
ઓન લાઈન પેમેન્ટના યુગમાં રોકડથી પગારની ચુકવણી-બે મહિનાથી ટિકિટ કલેક્શનના પૈસા વડાલામાં બેસ્ટની કચેરીમાં રાખવા અને બેંકમાં જમા ન કરાવવા સામે સવાલ
મુંબઈ, હવે જ્યારે મોટાભાગના સરકારી અને ખાનગી કર્મચારીઓની સેલેરી સીધી તેમના બેન્ક એકાઉન્ટમાં જમા થતી હોય છે ત્યારે મુંબઈની બસ સેવા બેસ્ટ( બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ)ના કર્મચારીઓને રોકડ રકમમાં સેલેરી અપાઈ છે.
સંખ્યાબંધ કર્મચારીઓને તો સેલેરીની અમુક રકમ પાંચ રુપિયા અને દસ રુપિયાના સિક્કા સ્વરુપે અપાઈ ત્યારે કર્મચારી પણ આશ્ચર્યમાં પડી ગયા હતા.ઘણા કર્મચારીઓેને સિક્કા સ્વરુપે પગારની ૧૫૦૦૦ રુપિયા સુધીની ચુકવણી કરાઈ છે.
એક મીડિયા રિપોર્ટ પ્રમાણે બેસ્ટના પેનલના સભ્ય સુનીલ ગનચાર્યે બુધવારે કમિટિ સમક્ષ સવાલ ઉઠાવ્યો હતો કે, આખરે બેસ્ટના કરોડો રુપિયાના કલેક્શનને બેન્ક એકાઉન્ટમાં ડિપોઝિટ કેમ નથી કરાઈ રહ્યુ. છેલ્લા બે મહિનાથી આ રકમ મુંબઈમાં વડાલા વિસ્તારમાં આવેલી બેસ્ટની કચેરીમાં મુકી રખાઈ છે.આ પૈસા ટિકિટ કલેક્શનના છે.
દરમિયાન સત્તાધીશોનુ કહેવુ છે કે, ટિકિટ કલેક્શન બેન્કમાં જમા કરવા માટે બેન્ક સાથે જાન્યુઆરીમાં કોન્ટ્રાક્ટ સાઈન થયો હતો પણ હજી તેનો અમલ થયો નથી.આ રકમ બેસ્ટના સ્ટ્રોંગ રુમમાં પડી રહી છે.જેના પગલે બેસ્ટના ૪૦૦૦૦ જેટલા કર્મચારીઓને ટિકિટ કલેક્શનની રકમમાંથી સેલેરી ચૂકવાઈ રહી છે.જેમાં પાંચ અને દસના ચલણી સિક્કાનો પણ સમાવેશ થાય છે.