મુંબઈ બ્લાસ્ટ કેસ : હાલારીને રિમાન્ડ પર લેવા માટેનો હુકમ
અમદાવાદ: વર્ષ ૧૯૯૩ના મુંબઈ સિરિયલ બ્લાસ્ટમાં આરોપી પૈકીના એક મુનાફ હાલારી અબ્દુલ માજીદને પકડી પાડવામાં આવ્યા બાદ આજે ભુજની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં એટીએસ દ્વારા ૧૪ દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી જેની સામે ભુજની કોર્ટે ૨૦મી સુધી હાલારીને રિમાન્ડ પર મોકલી દેવાનો આદેશ કર્યો હતો. હાલારી ૧૫૦૦ કરોડ રૂપિયાના ડ્રગ્સ કૌભાંડ મામલામાં પણ સંડોવાયેલો છે. એટીએસે આજે તેને સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કોર્ટમાં રજૂ કર્યો હતો. વાયા મુંબઈ દુબઈ જવા માટે ફ્લાઇટ પકડવાની તૈયારીમાં હતો
ત્યારે જ હાલારીને એટીએસ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો. હાલારી પાકિસ્તાની પાસપોર્ટ પર મુસાફરી કરી રહ્યો હતો. રિમાન્ડના ગાળા દરમિયાન નવી વિગતો ખુલે તેવી શક્યતા છે. અત્રે નોંધનીય છે કે, એટીએસે ગઇકાલે સોમવારના દિવસે મુંબઈ એરપોર્ટ પરથી ડ્રગ રેકેટ માફિયા મુનાફ હાલારી મુસાને પાકિસ્તાની પાસપોર્ટ સાથે પકડી પાડ્યો હતો. તે ૧૫૦૦ કરોડના ઝડપાયેલા ડ્રગ્સનો મુખ્ય સંદિગ્ધ છે. તે ૧૯૯૩ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો પણ આરોપી છે. તે પાકિસ્તાની પાસપોર્ટ પર ટ્રાવેલ કરતો હતો.
એસીપી એટીએસ ગુજરાત કે.કે.પટેલને પ્રાપ્ત ચોક્કસ માહિતીના આધાર ઉપર જાળ બિછાવવામાં આવી હતી જેમાં તે અંતે ઝડપાઈ ગયો હતો. આરોપી ગૌરાત દરિયાકાંઠેથી હેરોઇનની દાણચોરીના નશીલા કેસમાં વોન્ટેડ છે, જેમાં ૨૦૨૦ના જાન્યુઆરીમાં પાંચ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. મુનાફ હાલારી ૧૯૯૩ના બોમ્બે બ્લાસ્ટ કેસમાં પણ મુખ્ય આરોપી છે,
જેમાં તે ફરાર હતો. તપાસ એજન્સી, એટલે કે સીબીએલની વિનંતી પર તેની સામે રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી. મુનાફ હાલારી વર્ષ ૧૯૯૩ના મુંબઈ સિરિયલ બ્લાસ્ટના મુખ્ય કાવતરું કરનાર ટાઇગર મેમણનો નજીકનો સાથી છે. મુનાફ હાલારીએ ત્રણ બ્રાન્ડ નવા સ્કૂટર્સ ખરીદયા હતા. જેના નંબર એમએચ-૦૫-ટીસી-૨૯,(ડબલ્યુ) એમએચ-૦૫-ટીસી -૧૬ અને એમએચ -૦૪-ઝેડ-ટીસી -૨૬૧ હતા, જે વિસ્ફોટકોથી ભરેલા હતા,
જેમાંથી ઝવેરીબજાર વિસ્ફોટ થયા હતા. તા.૧૨ માર્ચ, ૧૯૯૩ના રોજ મુંબઈમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોમાં ૨૫૭ વ્યક્તિઓના મોત, ૭૧૩ વ્યક્તિઓને વિવિધ પ્રકારના ઇજાઓ અને રૂ.૨૭ કરોડથી વધુની સંપત્તિનો નાશ થયો હતો. સિરિયલ બ્લાસ્ટ પછી તે બરેલી, અને ત્યારબાદ બેંગકોકમાં ભાગી ગયો હતો. તેના સાથી અને સિરિયલ બ્લાસ્ટના કાવતરાખોર, જેમ કે ટાઇગર મેમણ, પાકિસ્તાની અધિકારીઓની મદદથી મુનાફ હાલારી માટે પાકિસ્તાની પાસપોર્ટ તૈયાર કરાવ્યો હતો. મુનાફ હાલારીનો પાકિસ્તાની પાસપોર્ટ અનવર મુહમ્મદ અબ્દુલ મજીદના નામે છે, જેનો પાસપોર્ટ નંબર બીએમ ૧૭૯૯૯૮૩ છે.