મુંબઈ-સુરતથી આવતી ટ્રેનોમાં પ્રવાસી મજૂરોની ભારે ભીડ
મુંબઈ: એક વર્ષ પહેલા કોરોનાની જે સ્થિતિ હતી તેના કરતા વધારે ભયાનક બનતી જઈ રહી છે, જે રીતે દેશમાં કોરોનાના કેસ પાછલા કેટલાક દિવસથી દેશમાં એક લાખને પાર જઈ રહ્યા છે, તે સૌ કોઈને ચોંકાવી રહ્યા છે. આવામાં મહારાષ્ટ્રમાં સૌથી ખરાબ બનેલી સ્થિતિ પર કાબૂ મેળવવા માટે લોકડાઉન જેવા પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. મંગળવારે ઉદ્ધવ ઠાકરે સરકારે તેની જાહેરાત કરીને ૩૦ એપ્રિલ સુધી જરુર વગર લોકોને ઘરની બહાર ન નીકળવા માટે જણાવ્યું છે.
આ દરમિયાન રાજ્યમાં ૧૪૪ની કલમ લાગુ કરવામાં આવી છે. કોરોનાની શરુઆતમાં લગાવવામાં આવેલા લોકડાઉનને યાદ કરીને લોકો ધ્રૂજી રહ્યા છે. એવામાં કોરોનાની બીજી લહેર બાદ લોકડાઉનની આશંકામાં પ્રવાસી કામદારો મુંબઈ છોડીને જઈ રહ્યા છે. ફરી લોકડાઉન જેવી સ્થિતિમાં ફસાઈ જવાની આશંકામાં પ્રવાસી કામદારોની સ્થિતિ કપરી બની ગઈ છે. પહેલા લોકડાઉન જેવી સ્થિતિનો સામનો ફરી ના કરવો પડે તેવું વિચારીને કામદારો ખભા પર સામાન લઈને રેલવે સ્ટેશન તરફ રવાના થઈ રહ્યા છે.
પોતાના વતન જવા માટે જે સાધન મળી રહ્યા છે તેનો ઉપયોગ કરીને તેઓ રવાના થઈ રહ્યા છે. મુંબઈ અને સુરત તરફથી આવનારી ટ્રેનોમાં પ્રવાસી મજૂરોની ભારે ભીડ જાેવા મળી રહી છે. મંગળવારે પણ પુષ્પક એક્સપ્રેસ, એલટીટી-લખનૌ સુપરફાસ્ટ, કુશીનગર એક્સપ્રેસ, એલટીટી સ્પેશિયલ, એલટીટી-ગોરખુર સુપરફાસ્ટ સહિતની ઘણી ટ્રેનોમાં વેઈટિંગના પેસેન્જર કોચની ગેલરી સહિતની જગ્યા પર બેસીને મુસાફરી કરીને લખનૌ પહોંચ્યા. તમામ દાવાઓ છતાં ૨૫% મુસાફરોની રેલવે સ્ટેશન પર તપાસ નથી થઈ શકતી. એક પ્રવાસી મજૂરે કહ્યું કે, હવે કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે, અમે શું કરીશું? અમે શું ખાઈશું?
અમે શહેર છોડી રહ્યા છીએ, કારણ કે અમે એ પીડાને ફરી સહન કરવા નથી માગતા, જેને અમે લોકડાઉન દરમિયાન સહન કરી હતી. મહારાષ્ટ્ર કોરોનાના કારણે સૌથી પ્રભાવિત રાજ્ય છે. કોરોનાની બીજી લહેરે મહારાષ્ટ્રમાં તમામ રેકોર્ડ્સ તોડી નાખ્યા છે. તાજા આંકડા પ્રમાણે ૨૪ કલાકમાં અહીં કોરોનાના ૬૦,૨૧૨ નવા કેસ સામે આવ્યા છે અને ૨૮૧ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. પુણેમાં ૨૪ કલાકમાં ૧૦,૧૧૨ નવા કેસ નોંધાયા છે અને ૯૯ લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં લગભગ ૬ લાખ એક્ટિવ કેસ છે.