મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ લખવીની અટકાયત
ઈસ્લામાબાદ, પાકિસ્તાને ફરી એકવાર મુંબઈ પર થયેલા ૨૬/૧૧ આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ અને લશ્કર-એ-તોયબાના સર્વેસર્વા ઝકી-ઉર-રહેમાન લખવીને ટેરર ફંડિંગ મામલે અટકાયત કરવાનું માત્ર નાટક કર્યું છે. આતંકવાદીઓને આર્થિક મદદ કરવાના આરોપસર પાકિસ્તાનના પંજાબમાં તેની અટકાયત કરવામાં આવી છે. જાેકે તેની ધરપકડને મુંબઈ હુમલા સાથે કોઈ જ લેવાદેવા નથી.
પાકિસ્તાનના પંજાબના આતંક વિરોધી વિભાગના પ્રવતાએ આ વાતની પુષ્ટિ કરતા કહ્યું છે કે, લખવીની લાહોર માં ધરપકડ કરવામાં આવી હતી. તેના પર આરોપ છે કે, તે ડિસ્પેંસરીના નામે મળી રહેલા ફંડનો ઉપયોગ આતંકવાદી ગતિવિધિઓ માટે કરતો હતો. લખવીને વર્ષ ૨૦૦૮માં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદી જાહેર કર્યો હતો. ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ) તરફથી બ્લેકલિસ્ટ થતા બચવા માટે પાકિસ્તાન આ પ્રકારની પેંતરાબાજી કરતું આવ્યું છે. આતંકવાદ વિરૂદ્ધ કાર્યવાહીના નામે ઈસ્લામાબાદ રહી રહીને આતંકવાદીઓ પર કાર્યવાહી કરતુ હોવાનો માત્ર દેખાડો કરતુ રહ્યું છે. આ અગાઉ નવેમ્બરમાં પાકિસ્તાનની સંઘીય તપાસ એજન્સી (એફઆઈએ)એ મોસ્ટ વોન્ટેડની નવી યાદીમાં મુંબઈ હુમલામાં શામેલ ૧૧ આતંકવાદીઓના નામ નોંધ્યા હતાં.
૨૬ નવેમ્બર ૨૦૦૮ના રોજ પાકિસ્તાની સેના અને ગુપ્તચર એજન્સીઓના જાેરે લશ્કર-એ-તોયબાના આતંકવાદીઓએ મુંબઈમાં અનેક ઠેકાણે હુમલા કર્યા હતાં. આ આતંકી હુમલામાં અનેક વિદેશીઓ સહિત લગભગ ૧૫૫ લોકોના મોત નિપજ્યા હતાં. આ હુમલાનો માસ્ટરમાઈન્ડ ઝકીઉર રહેમાન લખવી હતો જેની પાકિસ્તાનમાં ધરપકડ બાદ જામીન પર છોડી મુકવામાં આવ્યો હતો.SSS