Western Times News

Gujarati News

મુકેશ અંબાણીએ 2021માં 5G શરૂ કરવાનો સંકેત આપ્યો

નવી દિલ્હી, મુકેશ અંબાણીએ ભારતમાં વર્ષ 2021ના ઉત્તરાર્ધ એટલે કે બીજા ભાગમાં 5G ટેલિકોમ સેવાઓ શરૂ કરવાના સંકેત આપ્યા છે. તેમણે કહ્યું હતું કે, દરેકને પોસાય તેવી અને બધે જ ઉપલબ્ધ હોય તેવી અલ્ટ્રા-હાઇ-સ્પીડ 5G સેવાઓ ઝડપથી શરૂ કરવા માટે નીતિ વિષયક પગલાં લેવા જરૂરી છે. 2G વાપરતા 30 કરોડ લોકોને ઝડપી અને સસ્તુ ઈન્ટરનેટ આપવાનું જિયોનું લક્ષ્ય છે.

નિઃશુલ્ક વોઇસ કોલિંગ અને અત્યંત ઓછા ભાવે ડેટા પૂરો પાડતા નંબર વનનું સ્થાન પ્રાપ્ત કરનાર ચાર વર્ષ જૂના ટેલિકોમ સાહસ જિયોના પ્રણેતા અંબાણીએ ભારતમાં હાર્ડવેર મેન્યુફેક્ચરિંગ વિકસાવવાની પણ હિમાયત કરતાં કહ્યું કે, આટલા વ્યુહાત્મક ક્ષેત્રમાં દેશ માત્ર આયાત પર નિર્ભર રહી ન શકે. 5G પાંચમી પેઢીનું એવું મોબાઇલ નેટવર્ક છે કે જે મશીન, વસ્તુઓ અને ડિવાઇસિઝ સહિતની તમામ વસ્તુઓને સાંકળીને ઉપયોગકર્તાને કનેક્ટ કરે છે.

તેમણે એમ પણ કહ્યું કે, ભારત આજે વિશ્વના શ્રેષ્ઠ ડિજિટલી કનેક્ટેડ દેશોમાં સ્થાન ધરાવે છે. આગળ પડતી આ ભૂમિકાને બરકરાર રાખવા માટે, દરેકને પોસાય તેવી અને સર્વત્ર ઉપલબ્ધ હોય તેવી 5G સેવાઓ ઝડપથી શરૂ કરવા માટે નીતિ વિષયક પગલાં ઝડપથી લેવા જરૂરી છે, તેમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે, હું આશ્વાસ્ત કરું છું કે વર્ષ 2021ના ઉત્તરાર્ધમાં ભારતમાં 5Gની ક્રાંતિમાં જિયો અગ્રેસર રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.