મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક, અદાણી બીજા ક્રમ ઉપર
મુંબઈ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં આવેલા ઉછાળા અને અદાણી જૂથના શેરોમાં થયેલા ઘટાડાના કારણે એશિયાના સૌથી મોટા અબજપતિઓના સ્થાન અદલાબદલી થઈ ગયા છે. મુકેશ અંબાણી હવે સમગ્ર એશિયામાં સૌથી ધનિક ઉદ્યોગપતિ છે જ્યારે ગૌતમ અદાણી બીજા ક્રમે આવી ગયા છે.રિલાયન્સના શેરમાં છેલ્લા બે અઠવાડિયામાં ૧૪ ટકાનો વધારો થયો છે જ્યારે અદાણી જૂથના શેરો ઘટ્યા છે. બ્લૂમબર્ગના અહેવાલ પ્રમાણે મુકેશ અંબાણીની નેટવર્થ ૯૯.૭ અબજ ડોલર છે જ્યારે ગૌતમ અદાણીની નેટવર્થ ૯૮.૭ અબજ ડોલર છે.
ફોર્બ્સ રિયલ ટાઈમ બિલિયનર્સ લિસ્ટ પ્રમાણે મુકેશ અંબાણી સમગ્ર વિશ્વમાં છઠ્ઠા ક્રમે છે. તેમની સંપત્તિ ૬.૨૧ ટકા અથવા ૬.૧ અબજ ડોલરનો વધારો થયો છે અને ૧૦૪.૩ અબજ ડોલર થઈ છે. દરમિયાન ગૌતમ અદાણીની સંપત્તિ ૦.૬૬ ટકા વધીને ૯૯.૯ અબજ ડોલર થઈ છે અને તેઓ સમગ્ર વિશ્વમાં નવમા ક્રમે છે.
ગૌતમ અદાણીએ પોતાનું સ્થાન ગુમાવ્યું છે પરંતુ છેલ્લા બે વર્ષથી તેમની નેટવર્થ સતત વધતી જાય છે. હાલમાં અદાણી જૂથ તેના એફએમસીજી બિઝનેસને વધારે શક્તિશાળી બનાવવા પર ધ્યાન આપી રહ્યું છે.
અગાઉ તેઓ પાવર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વધુ ફોકસ કરી રહ્યા હતા. મુકેશ અંબાણીનું રિલાયન્સ જૂથ એનર્જી, ટેલિકોમ અને એફએમસીજી સેક્ટર પર વધારે કેન્દ્રિત છે. તેઓ ઈનોવેશન અને ટ્રાન્સફોર્મેશન પર ખાસ ધ્યાન આપી રહ્યા છે. માર્ચ ક્વાર્ટરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તેના કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં ૨૨.૫૦ ટકાનો વધારો નોંધાવ્યો હતો અને તેનો ચોખ્ખો નફો વધીને રૂ. ૧૬૨૦૩ કરોડ થયો હતો. ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો નફો રૂ. ૧૩,૨૨૭ કરોડ હતો.
કંપનીની કામગીરીમાંથી આવક ૩૬.૭૯ ટકા વધીને રૂ. ૨,૧૧,૮૮૭ કરોડ થઈ હતી જે ગયા વર્ષે સમાન ગાળામાં રૂ. ૧,૫૪,૮૯૬ કરોડ હતી. કંપનીના બોર્ડે શેર દીઠ ૮ રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરી હતી.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની રિટેલ બ્રાન્ડ પણ ઈટાલી સ્થિત પ્લાસ્ટિક લેગોનના ભારતીય ટોય મેન્યુફેક્ચરિંગ બિઝનેસ ડ્રિમ પ્લાસ્ટમાં ૪૦ ટકા હિસ્સો ખરીદવા જઈ રહી છે. રિલાયન્સ કેટલાક સમયથી સતત ફંડિંગ અને એક્વિઝિશન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેણે તાજેતરમાં હેમલેસ, ક્લોવિયા, મિલ્ક બાસ્કેટ, અર્બન લેડર, હેપટિક જેવી કંપનીઓમાં રોકાણ કર્યું છે.ss2kp