મુકેશ-અનિલ અંબાણી અને તેમના પરિવાર પર ૨૫ કરોડ રૂપિયાનો દંડ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/mukesh.jpg)
મુંબઇ: માર્કેટ રેગ્યુલેટર સેબીએ દેશનાં સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી અને તેમના નાના ભાઈ અનિલ અંબાણી અને અન્ય વ્યક્તિઓ અને કંપનીઓને ૨૫ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સેબીએ અંબાણી પરિવારને બે દાયકા જુના કેસમાં દંડ ફટકાર્યો છે.
આ દંડ ૨૦૦૦ માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને લગતા કેસમાં અધિગ્રહણનાં નિયમોનું પાલન ન કરવા બદલ લાદવામાં આવ્યો છે. દંડ કરાયેલા અન્ય લોકોમાં નીતા અંબાણી, ટીના અંબાણી, કેડી અંબાણી અને પરિવારનાં અન્ય સભ્યો શામેલ છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) એ તેના ૮૫ પાનાનાં આદેશમાં જણાવ્યું છે કે આરઆઈએલનાં પ્રમોટર્સ અને પીએસી (જાેડાણમાં કામ કરતા લોકો) એ ૨૦૦૦ માં કંપનીમાં ૫ ટકાથી વધુનાં અધિગ્રહણ અંગે ખુલાસો કરવામાં અસફળ રહ્યા.
૨૦૦૫ માં, મુકેશ અને અનિલ બિઝનેસથી અલગ થઈ ગયા હતા, આદેશ મુજબ, આરઆઈએલનાં પ્રમોટર્સે ૨૦૦૦ માં કંપનીમાં ૬.૮૩ ટકા હિસ્સો હસ્તગત કર્યો હતો. ૧૯૯૪ માં જારી કરાયેલા ૩ કરોડ વોરંટને બદલીને આ અધિગ્રહણ કરવામાં આવ્યું હતું.
સેબીએ તેના આદેશમાં કહ્યું છે કે, પ્રમોટર ગ્રુપ અને અન્ય આરોપીઓએ ટેકઓવર રેગ્યુલેશન ૧૧ (૧) નું ઉલ્લંઘન કર્યું છે. સેબીએ આ માટે મુકેશ અંબાણી, અનિલ અંબાણી, કોકિલાબેન અંબાણી, નીતા અંબાણી, ટીના અંબાણી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હોલ્ડિંગ, રિલાયન્સ રિયલ્ટી અને ઘણી અન્ય કંપનીઓને ૨૫ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. દરેકને મળીને આ દંડ ચૂકવવો પડશે. જાે ઓર્ડરનાં ૪૫ દિવસની અંદર દંડ આપવામાં નહીં આવે તો સેબી આ લોકો સામે કાર્યવાહી કરશે.