મુખ્યપ્રધાનના એક ફોનથી કેન્સરની સારવાર મફત થઇ
ગાંધીનગર, કહેવત છે કે ભગવાન આપે છે તેને છાપરું ફાડીને આપે છે. આ કહેવત અમારા જીવનમાં અક્ષરશઃ સાચી પડી પડી છે. મને અઢળક આરોગ્ય સુખ મળ્યું છે.’ આ શબ્દો છે દહેગામમાં રહેતા ૪૫ વર્ષીય જગદીશ લાભશંકર ત્રિવેદીના વાત કંઈક આમ છે કે જગદીશ ત્રિવેદી તેમના નાના ભાઈ વિષ્ણુ સાથે દહેગામમાં રહે છે. મૂળ આ પરિવારનો વ્યવસાય કર્મકાંડનો છે. બન્ને ભાઈઓ અવિવાહિત હોવાથી તમામ ઘરકામ પણ જાતે જ કરતા આવ્યા છે. બાપ દાદાએ વારસામાં એક ઘર આપ્યું છે પરંતુ છાપરાવાળુ. એ જ પુરવાર કરે છે કે પરિવારની આર્થિક શક્તિ નબળી છે.
જગદીશભાઈ ત્રિવેદી અગાઉ અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરના રસોડામાં મજૂરીકામ કરતા હતા. પરંતુ તેમના શરીરમાં નબળાઈ ઘર કરી ગઇ હતી. કોઈના કહેવાથી સિવિલમાં તપાસ કરાવી તો જાણવા મળ્યું કે તેમનું લીવર માત્ર ૧૨.૫ ટકા જ કામ કરે છે. પૈસા તો હતા નહીં, એટલે શરીર સાથ આપે કે ના આપે કામ તો કરવું જ પડે. સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક તબક્કે ૧૧ બોટલ લોહી ચઢાવ્યું પરંતુ તમામ લોહી ઝાડા વાટે નીકળી ગયુ. જગદીશ બિલકુલ બેભાન અવસ્થામાં આવી ગયા હતા. ડોક્ટરે તેમને એન્ડોસ્કોપી કરાવવાની સલાહ આપી, પરંતુ એન્ડોસ્કોપી કરાવવાના પણ પૈસા તેમની પાસે નહોતા. તેવામાં એક દિવસ મુખ્યમંત્રીના નિવાસ્થાને કાર્યરત ડેશબોર્ડના ‘જનસંવાદ કેન્દ્ર’માંથી જગદીશને ફોન આવ્યો.
તેમને કહેવાયું કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં કેન્સર વિભાગમાં જઈને ડોક્ટર શશાંક પંડ્યાને મળો. તમારી તમામ નિદાન-સારવાર વિનામૂલ્યે થઈ જશે.જગદીશ તેમના ભાઈ વિષ્ણુ સાથે કેન્સર વિભાગમાં ગયા, ડોકટરને મળ્યા તેમની એન્ડોસ્કોપી કરાવી. લીવરની નળીમાં પંચર હતું, તેનું ઓપરેશન કરાયું. ત્યારબાદ ૧૦ બોટલ લોહી ચઢાવ્યું. સમય જતા તેમને સારું થયું. કેન્સર વિભાગના ડાયરેક્ટર શશાંક પંડ્યા કહે છે કે, ‘સી.એમ ડેશબોર્ડમાંથી સુચના આવી અને જગદીશભાઈનું નિદાન-ઓપરેશન તથા સારવાર તદ્દન વિનામૂલ્યે કરવામાં આવ્યું છે.
સી.એમ. ડેશબોર્ડમાંથી આવા સંખ્યાબંધ કેસોની ભલામણ આવે છે અને જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર થાય છે.’ જગદીશના ભાઈ વિષ્ણુ ત્રિવેદી કહે છે કે, ‘મુખ્યમંત્રી વિજય રૂપાણી ખૂબ સંવેદનશીલ છે. તેમના સંવેદનાસભર ર્નિણયથી મારા ભાઈ જગદીશભાઈ આજે તદ્દન સ્વસ્થ બન્યા છે. અમે બંને ભાઈઓ રાજ્ય સરકારના ઋણી છીએ. ગરીબ માણસોની પારાવાર મુશ્કેલીઓ તેઓ સમજે છે એ બહુ મોટી વાત છે. નહીં તો અમારા જેવા ગરીબ માણસોની દરકાર કોણ લે ? કોઈ સામે છે ફોન કરી ને કહે કે આ હોસ્પિટલમાં પહોંચી જાઓ તમારું નિદાન સારવાર વિનામૂલ્યે થઈ જશે એવું માની ન શકાય. પણ અમારા કિસ્સામાં આવું બન્યું છે એ પણ એટલું જ સત્ય છે. સલામ છે આવા મુખ્યમંત્રીને…’ એમ તેઓ ઉમેરે છે.અત્રે ઉલ્લેખનીય છે કે સી.એમ. ડેશબોર્ડ પરથી રાજ્યના એકેએક ગામ તાલુકા કે જિલ્લા પર અને વિવિધ સેવાઓ પર સીધી નજર રાખવામાં આવે છે.SSS