મુખ્યમંત્રીની ગાડીની ખોટી માહિતી વાયરલ કરનાર જબ્બે

મુખ્યમંત્રીની ગાડીની પીયુસી-ઇન્શ્યોરન્સ નહી હોવાની ખોટી માહિતી અપલોડ કરતો વીડિયો વાયરલ કર્યો હતો
અમદાવાદ, ટ્રાફિકના નવા નિયમો જાહેર થયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ગાડીના પીયુસી, ઈનશ્યોરન્સ નહી હોવાની માહિતી સોશ્યલ મીડિયામાં અપલોડ કરતો વીડિયો વાયરલ કરવાના પ્રકરણમાં ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ સુરતમાંથી એક આરોપીની ધરપકડ કરી લીધી હતી. પોલીસે મુખ્યમંત્રીની ગાડીની ખોટી માહિતી વાયરલ કરવા બાબતનો જરૂરી ગુનો નોંધી આરોપી વિરૂધ્ધ વધુ તપાસ હાથ ધરી છે.
હકીકતમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગુજરાત સરકારની સ્કોર્પિયો ગાડી નં. જીજે-૧૮-જી-૯૦૮૫ ઉપયોગ કરે છે તે ગાડી ડિરેક્ટર જનરલ ઓફ પોલીસનાં નામે નોંધાયેલી છે અને તેનો વીમો તા.૩૧ ડિસેમ્બર, ૨૦૧૯ સુધી વેલીડ છે. તેનું ફિટનેસ સર્ટિફિકેટ પણ તા.૧૦ એપ્રિલ,૨૦૨૯ સુધીનું છે. સોશ્યલ મીડિયામાં જે મેસેજ ફોટો સાથે વાઈરલ કરવામાં આવ્યા હતો તે તદ્દન ખોટો અને પાયાવિહોણા હોવાનું સામે આવ્યું હતું.
જેથી આ અંગે ગુનો નોંધવામાં આવ્યો હતો. ખોટી માહિતી અપલોડ કરવા અંગે તપાસ કરવામાં આવતા સુરતના એક પત્રકારનું નામ સામે આવ્યું હતું. જેની આજે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. હાલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ અંગે વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રીની ગાડીની ખોટી માહિતી અપલોડ કરી તે સોશ્યલ મીડિયામાં વાયરલ કરવાના ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવતાં ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસે હવે આરોપીએ કયા કારણસર અને કોના ઇશારે તેમ જ કયા ઇરાદાથી આવી બોગસ માહિતી સીએમની ગાડીને લઇ વાયરલ કરાઇ તે દિશામાં તપાસનો દોર આરંભ્યો છે.