મુખ્યમંત્રીએ જામનગરમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી
જામનગર જિલ્લામાં ભારે વરસાદથી સૌથી વધુ અસર પામેલા ધુંવાવ ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે વાતચીત કરી તેમને થયેલા નુકસાનની વિગતો ગ્રામજનો સાથે સંવેદનાપૂર્વક પ્રત્યક્ષ સાંભળીને મેળવી હતી.
ગઇકાલે ગુજરાત રાજયના મુખ્યમંત્રી તરીકેનો તાજ પહેર્યા બાદ ભુપેન્દ્ર પટેલે જામનગર પંથકથી જ પોતાની કામગીરીના શ્રી ગણેશ કર્યા હોય તેમ જામનગર પંથકમાં ભારે વરસાદથી અસગરગ્રસ્તોને એરલીફટ કરવાના સુચનો કર્યા બાદ આજે જામનગર અને કાલાવડના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરિક્ષણ કરવાના છે.
આજે સૌપ્રથમ બપોરે તેઓ 12 વાગ્યે રાજકોટ આવ્યા હતા. તે બાદ આજે બપોરે 1 વાગ્યે તેઓ જિલ્લાના પ્રભાવિત વિસ્તારનું નિરીક્ષણ કર્યુ હતું. આ વિસ્તારમાં નુકશાનીનો તાગ મેળવી તાત્કાલિક સર્વે અને સહાયની કામગીરી હાથ ધરવા અધિકારીઓને સુચના આપી છે. જામનગરમાં ખાબકેલા ધીંગા વરસાદે જામનગર શહેર-જિલ્લાના તમામ વિસ્તારને ઘમરોળતા ઠેર-ઠેર તારાજી સર્જાઇ હતી.
તોફાની વરસાદને પગલે જામનગરના નિચાણવાળા વિસ્તારો અને ગ્રામ્ય પંથકના મોટા ભાગના વિસ્તારોમાં ચારે બાજુ પૂરના પાણી ભરાતા ગામડાઓ બેટમાં ફેરવાયા હતા હજારો લોકો પૂરના પાણીમાં ફસાતા લાચાર બન્યા હતા. આ ઉપરાંત લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. તેવા સંજોગોમાં ગઇકાલે જ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા બાદ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી કાર્યાલય પહોંચ્યા હતાં.
તેમણે સૌ પ્રથમ મિટિંગ હાલારમાં ભારે વરસાદના કારણે ઉદભવેલી કપરી સ્થિતિની સમીક્ષા કરી હતી. પૂર પ્રભાવિત જામનગર શહેર અને જિલ્લાભરમાં જરૂરી પગલાં લેવા અંગે જિલ્લા કલેક્ટરને સૂચનાઓ આપી હતી.
જામનગરમાં વરસાદે ઠેર-ઠેર વિનાશ વેરતા મુખ્યમંત્રી ખુદ આજે જામનગરના ધારાસભ્ય આર.સી.ફળદુ અને ધર્મેન્દ્રસિંહ જાડેજા સાથે જામનગર શહેર તથા કાલાવડ પંથકના અસરગ્રસ્ત વિસ્તારોની હવાઇ નિરિક્ષણ કરવાના હોય, સમગ્ર જિલ્લા તંત્ર નવા મુખ્યમંત્રીની પ્રથમ મુલાકાતના પગલે એલર્ટ પણ બની ગયું છે.