મુખ્યમંત્રીએ દાઉદી વ્હોરાના ધર્મગુરુને જન્મદિવસની શુભકામના પાઠવી : સમુહ નિકાહમાં હાજરી આપી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/12/Cm-surat2-1024x682.jpg)
સુરત: દાઉદી વ્હોરા સમાજના બાવનમાં ધર્મગુરુ ડા. સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબના ૧૦૯મા જન્મદિવસ તથા ૫૩માં ધર્મગુરુ ડા. સૈયદના આલીકદર મુફદ્દલ સૈફુદ્દીનનો ૭૬માં જન્મદિવસને લઈને વ્હોરા સમાજ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી સુરતમાં વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે. જેમાં આજે ભવ્ય જુલૂસ નીકળ્યું હતું. આ પ્રસંગે ૧૯૨ નવયુગલના નિકાહપણ યોજવામાં આવ્યા હતા. આ ખાસ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાસ હાજરી આપી હતી. મુખ્યમંત્રીએ ડાક્ટર સૈયદના સાહેબની મુલાકાત લીધી હતી અને તેમને જન્મ દિવસની શુભકામના પાઠવી હતી.
સુરતના ઝાપા બજારની દેવડી ખાતે વ્હોરા સમાજના ડા. સૈયદના સાહેબ છેલ્લા ૧૭ દિવસથી સુરતમાં છે. તેમના દીદાર માટે દેશ-વિદેશથી હજારોની સંખ્યામાં તેમના અનુયાયીઓ સુરત આવી રહ્યા છે. તેમના જન્મ દિવસની ઉજવણીને લઈ વ્હોરા સમાજના લોકોમાં ભારે ઉત્સાહ છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ડાક્ટર સૈયદના સાહેબના નિવાસ સ્થાને તેમની મુલાકાત લીધી હતી અને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. બાદમાં સવારે ૧૧ કલાકે સમૂહ નિકાહના કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
સમૂહ નિકાહમાં સુરત સહિત દેશના વિવિધ શહેરો તથા વિદેશથી પણ ઉપસ્થિત રહેલા ૧૯૨ યુગલો લગ્નના બંધનમાં બંધાયા હતા. સમૂહ નિકાહના આ કાર્યક્રમમાં ડા. સૈયદના સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ યુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા.
ડાક્ટર સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબના જન્મદિવસની પૂર્વ સંધ્યાઅમગરીબની નમાઝ બાદ બેગમપુરા કોટન મીલથી ભવ્ય મોકીબ નીકળી હતી. જે બેગમપુરાથી પ્રગતિચોક, મોતી ટોકીઝ, મહિધરપુરા પોલીસ સ્ટેશન, ટાવર પાસેથી અલ-જામેઆ-તુસ-સૈફીયાહ પાસેથી દેવડી મુબારક પાસે પહોંચી હતી.અહીં સૈયદના સાહેબ મોકીબને નીહાળી હતી. જુલૂસમાં અનેક ઘોડાગાડી, ઊંટગાડીઆ સાથે દેશ-વિદેશના શહેરોથી આવેલા ૫૦ થી વધુ સ્કાઉટ બેન્ડ જોડાયા હતા. દરેક સ્કાઉટ બેન્ડની પાછળ વિશ્વના વિવિધ શહેરોમાંથી ઉપસ્થિત થયેલા સમાજના અગ્રણીઓ તેમના વતનના બેનરો સાથે શિસ્તબદ્ધ રીતે સામેલ થયા હતા.