મુખ્યમંત્રીએ મોટેરા સ્ટેડિયમની મુલાકાત લઇ ‘નમસ્તે ટ્રંપ’ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું
ગુજરાતની જનતા દેશના વડાપ્રધાન અને અમેરિકન પ્રમુખને આવકારવા અત્યંત ઉત્સાહિત – મુખ્યમંત્રીશ્રી
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, ૨૪મી ફેબ્રુઆરીએ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોટેરા સ્ટેડિયમ આવી રહ્યા છે. વિશ્વના બે લોકપ્રિય અને મજબૂત નેતા મોટેરામાં એક સાથે ઉપસ્થિત રહે તે એક ગૌરવ ઘટના ગુજરાત અને ભારત માટે બનવાની છે.
કાર્યક્રમની થીમ ‘નમસ્તે ટ્રંપ’ રાખવામાં આવી છે. ગુજરાતભરમાંથી આ કાર્યક્રમ માટે 24 તારીખે વિશાળ સંખ્યામાં લોકો આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતુ. મુખ્યમંત્રીશ્રીએ ગૃહરાજ્યમંત્રી, મુખ્યસચિવ, પોલીસ મહાનિદેશક, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ તેમજ રાજ્ય સરકાર અને મહાપાલિકાના વરિષ્ઠ અધિકારીઓ તેમજ પ્રદેશ પ્રમુખશ્રી અને પદાધિકારીઓ સાથે મોટેરા સ્ટેડિયમની મુલાકાત લઇ ‘નમસ્તે ટ્રંપ’ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.
તેમણે તમામ વિગતો ઝીણવટ ભરી રીતે મેળવીને જરૂરી સૂચનો કર્યા હતા. ગુજરાત ક્રિકેટ એસસિયેશનનાના જય શાહ અને ધનરાજ નથવાણીએ મુખ્યમંત્રીને સ્ટેડિયમમાં ચાલી રહેલી તડામાર કામગીરીની વિગતો આપી હતી.
તેઓએ વધુમાં કહ્યું કે, સલામતી, સુરક્ષા, પાર્કિંગ, બેઠક-વ્યવસ્થા, પાણી અને પ્રવેશ માર્ગો સહિતની તમામ સુવિધાઓનું માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ તથા ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના પદાધિકારીઓ સાથે મળી કાર્યક્રમની સંપુર્ણ સમિક્ષા કરવામાં આવી છે.
તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાતની જનતા દેશના વડાપ્રધાન અને અમેરિકન પ્રમુખને આવકારવા અત્યંત ઉત્સાહિત છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, અમેરિકાના પ્રમુખ વોશિંગ્ટનથી સીધા અમદાવાદ આવે તે આપણા સૌ માટે ગૌરવની વાત છે.