મુખ્યમંત્રીએ સાવલી તાલુકાના લસુન્દ્રા ગામે વિશ્વકક્ષાના સંશોધન કેન્દ્રનું લોકાર્પણ કર્યું
વડોદરા:મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વડોદરાના સાવલી નજીક લસુન્દ્રામાં જેડીએમ રિસર્ચના સંશોધન અને વિકાસ કેન્દ્રનું લોકાર્પણ કરતાં સ્પષ્ટ મત વ્યકત કર્યો કે રાજ્યમાં સંશોધન અને વિકાસની ઇકો સીસ્ટમ વ્યાપક બની છે.
તેમણે કહ્યું કે, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસને વેગ આપતાં ગુજરાતે લઘુ-મધ્યમ ઊદ્યોગો માટે પહેલા પ્રોડકશન પછી પરમિશનનો નવતર અભિગમ પણ અપનાવ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના સર્વગ્રાહી-સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટની વિશ્વ ખ્યાતિની ભૂમિકા આપતાં કહ્યું કે, વિકાસની બાબતમાં ગુજરાતનો વિકલ્પ માત્ર ગુજરાત જ છે.
જેડીએમ રીસર્ચના રૂપમાં ગુજરાતને વિશ્વકક્ષાનું સંશોધન અને વિકાસનું કેન્દ્ર મળતાં ગુજરાતના તાજમાં નવું પીંછું ઉમેરાયું છે અને અહિં ઉચ્ચકક્ષાનું સંશોધન ઉદ્યોગની સાથે ખેતીવાડીને પણ પ્રોત્સાહિત કરશે તેવી અપેક્ષા મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કરી હતી.
આ કેન્દ્ર રસાયણ દવાઓ, પાકની સુરક્ષા માટેના ઔષધો, સ્પેશ્યાલીટી કેમિકલ અને તબીબી ઉપકરણો ઇત્યાદિમાં નવા સંશોધન અને વિકાસની વિશ્વ કક્ષાની સુવિધાઓ ધરાવે છે. મુખ્યમંત્રીશ્રીએ આનંદ વ્યકત કરતાં જણાવ્યું કે એશિયાના સૌથી મોટા સંશોધન અને વિકાસ કેન્દ્રોમાં આ સુવિધાનો સમાવેશ થાય છે અને તેના પગલે ગુજરાતનું નામ સંશોધન અને વિકાસના ચિત્રના નકશામાં ઉમેરાયું છે.
ગુજરાત પોલીસી ડ્રિવન સ્ટેટ છે એની ભૂમિકા આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના સંકલ્પ સાથે ગુજરાતે રાઇટ ટાઇમ ફોર રાઈટ જોબની પરંપરા પ્રગતિ માટે અપનાવી છે. એટલે જ ગુજરાત વિશ્વ ભરના મૂડીરોકાણકારો માટે પ્રથમ પસંદગીનું રાજય બન્યું છે. મેઇક ઇન ઇન્ડીયાની પ્રધાનમંત્રીશ્રીની વિભાવનાને સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર છે અને દેશના આર્થિક વિકાસમાં ગુજરાત ઉલ્લેખનીય યોગદાન આપી રહયું છે.
મોટા ઉદ્યોગોની સાથે ગુજરાત મધ્યમ, લઘુ અને શૂક્ષ્મ ઉદ્યોગો (MSME)ના વિકાસની પણ પૂરતી કાળજી લઇ રહયું છે એવી જાણકારી આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતમાં MSMEના ૩૫ લાખથી વધુ એકમો છે અને રાજયના વિકાસમાં આ એકમો ઉલ્લેખનીય યોગદાન આપી રહયા છે.
ગુજરાતે પહેલાં ઉત્પાદન અને પછી પરવાનગીની નીતિ અપનાવી છે. એની વિગતો આપતાં મુખ્યમંત્રીશ્રી જણાવ્યું કે ગુજરાતમાં આવીને ઉત્પાદન શરૂ કરો અને ત્રણ વર્ષમાં જરૂરી આનુષાંગિક પરવાનગીઓ મેળવી લો એવી વ્યવસ્થા કરી છે. ઓન લાઇન રજીસ્ટ્રેશનની સુવિધા હેઠળ ગણતરીની મીનીટોમાં પરવાનગી મળે એવી સુવિધા આપવામાં આવે છે.
ગુજરાતમાં આગામી વર્ષે વિશ્વ નો પ્રથમ સી.એન.જી.ટર્મિનલ ભાવનગર બંદરે કાર્યરત થઇ જશે તેની ભૂમિકા તેમણે આપી હતી. વિવિધ ક્ષેત્રોમાં ગુજરાતના વિકાસના સિમાચિન્હોની છણાવટ કરતાં જણાવ્યું કે દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનું યોગદાન ૪૩ ટકા છે. સર્વિસ સેકટરમાં ૪૨ ટકા છે.
સહુના સહયોગથી પારદર્શકતા, નિર્ણાયકતા અને ગતિશીલતા સાથે ગુજરાત દેશમાં વિકાસનું રોલ મોડલ બન્યું છે. મુખ્યમંત્રીશ્રીએ જેડીએમ રીસર્ચના સ્થાપક શ્રી વિજય મુન્દ્રાને ગુજરાતમાં આ કેન્દ્ર સ્થાપવા માટે અભિનંદન આપવાની સાથે એકમના વિકાસમાં રાજય સરકારના પ્રોત્સાહનનો સંકેત આપ્યો હતો.
ગુજરાતમાં કંડયુસીવ બિઝનેસ એન્વાયરમેન્ટ છે જે પ્રોસ્પર અને ઇનોવેટ કરવાની તક આપે છે. એવી લાગણી વ્યકત કરવાની સાથે મુખ્યમંત્રીશ્રીને આવકારતાં જેડીએમ રીસર્ચના અધ્યક્ષ શ્રી વિજય મુન્દ્રાએ રાજય સરકારના વિકાસ પ્રોત્સાહક અભિગમ માટે મુખ્યમંત્રીશ્રીને બિરદાવ્યા હતા.
તેમણે સ્થાનિક સ્તરે પ્રોત્સાહન અને પીઠબળ માટે ધારાસ્ભ્ય શ્રી કેતન ઇનામદાર અને સ્થાનિક સરપંચ સહિત અગ્રણીઓનો આભાર માન્યો હતો. આ લોકાર્પણ અવસરે વિદેશી રાષ્ટ્રોના રિસર્ચ-ડેવલપમેન્ટ સાથે સંકળાયેલા તજ્જ્ઞો, ભારતના વિવિધ રાજ્યોના ઊદ્યોગ સાહસિકો આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
સાવલીના ધારાસભ્યશ્રી કેતન ઇનામદાર, જિલ્લા પક્ષના પ્રમુખશ્રી દિલુભા ચુડાસમા, પૂર્વ પ્રમુખશ્રી સતીષ પટેલ, અગ્રણીઓ, જિલ્લા કલેકટરશ્રીમતી શાલિની અગ્રવાલ, જિલ્લા પોલીસ વડાશ્રી દેસાઇ, કંપનીના એમ.ડી.શ્રી પરિક્ષિત મુન્દ્રા, વિદેશી વ્યાપાર પ્રતિનિધિ મંડળોના સદસ્યો અને કંપની પરિવાર આ પ્રસંગે ઉપસ્થિત રહયો હતો.