મુખ્યમંત્રીએ PMJAY યોજનાની નવી SOP બનાવવા સૂચના આપવામાં આવી
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની જાણ બહાર એન્જીયોપ્લાસ્ટી કરવાથી બે દર્દીના મોત નીપજ્યાં હતા. જેમાં PMJAY યોજનામાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો હતો. આ પછી રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગે તપાસ કરીને ખ્યાતિ હોસ્પિટલ સહિત સાત હોસ્પિટલને સસ્પેન્ડ કરી હતી. ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે બુધવારે કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રીએ PMJAY યોજનાની નવી SOP બનાવવા સૂચના આપવામાં આવી છે.
અમદાવાદના એસ.જી. હાઈવ પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડનો દુરુપયોગ કરીને PMJAY યોજનામાં કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેને લઈને આજે બુધવારે કેબિનેટમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે PMJAY યોજના હેઠળ આવતી હોસ્પિટલમાં યોગ્ય કામગીરી થાય છે કે નહી તેની તપાસ કરવા અને PMJAY યોજનાની નવી SOP બનાવવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, લોકો હેરાન ન થાય તેનું ધ્યાન રાખવા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
આગામી દિવસોમાં આરોગ્ય વિભાગ PMJAY યોજના હેઠળની હોસ્પિટલમાં મુખ્યત્ત્વે હૃદયરોગ, કેન્સર, કિડની અને ઘૂંટણ સહિતની સારવાર અને ઓપરેશન સંબંધિત SOP જાહેર થશે. જેમાં જો કોઈ ડોક્ટરો PMJAY યોજનામાં દર્દીઓ સાથે છેતરપિંડી કરશે તો તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે.
PMJAY કૌભાંડ હેઠળ આરોગ્ય વિભાગે સાત ખ્યાતિ સહિતની સાત હોસ્પિટલને સસ્પેન્ડ કરી છે. જેમાં અમદાવાદની ત્રણ, સુરત, વડોદરા અને રાજકોટની 1-1 હોસ્પિટલ તેમજ ગીર સોમનાથની હોસ્પિટલને પણ સસ્પેન્ડ કરવામાં આવી છે.