મુખ્યમંત્રીનાં હસ્તે ‘કોરોના મહામારી સામે મુકાબલો’ પુસ્તિકાનું વિમોચન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/02/advt-western-2021-scaled.jpg)
કોરોનાની પ્રથમ લહેરમાં દાહોદ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી જનકલ્યાણની વિવિધ પ્રવૃત્તિને આ પુસ્તિકામાં ગ્રંથસ્થ કરાઇ
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ‘કોરોના મહામારી સામે મુકાબલો’ પુસ્તિકાનું વિમોચન કર્યું હતું. આ પુસ્તિકામાં દાહોદ જિલ્લામાં કોરોના વાયરસની પ્રથમ લહેર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી જનકલ્યાણની વિવિધ પ્રવૃત્તિને દાહોદ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા માહિતી કચેરી, દાહોદ દ્વારા ગ્રંથસ્થ કરાઇ છે.
દાહોદ જિલ્લાની વિકાસ વાટિકા અંતર્ગત પ્રકાશિત આ પુસ્તિકાનું પ્રકાશન જિલ્લા વહીવટી તંત્ર અને સંપાદન જિલ્લા માહિતી કચેરી દ્વારા કરવામાં આવ્યું છે. આ વર્ષે દાહોદ જિલ્લા માહિતી કચેરીએ નવતર આયોજન કરી કોરોનાકાળની પ્રવૃત્તિનું દસ્તાવેજીકરણ આ પુસ્તક કોરોના મહામારીનો મુકાબલોમાં કરવામાં આવ્યું છે.
આ પુસ્તિકામાં જિલ્લા વહીવટી તંત્ર, આરોગ્ય, પોલીસ, પ્રવાસી શ્રમિકોનું વ્યવસ્થાપન, સામાજિક અને સેવાભાવી સંગઠનો, પુરવઠા વિભાગ અને મીડિયા જેવા વિષયો ઉપર દાહોદના પત્રકારો શ્રી યોગેશ દેસાઇ, શ્રી શેતલ કોઠારી, શ્રી હિમાંશુ નાગર, શ્રી ઇરફાન મલેક, શ્રી સચિન દેસાઇ તથા શ્રી જિજ્ઞેશ બારિઆ દ્વારા આલેખન કરવામાં આવ્યું છે.
બાકીના વિષયવસ્તુનું આલેખન દાહોદ જિલ્લા માહિતી કચેરી દ્વારા કરવામાં આવ્યું છે. પુસ્તિકાના પ્રકાશનમાં જિલ્લા આયોજન કચેરી તથા વડોદરા સરકારી પ્રેસનો સહયોગ સાંપડ્યો છે.