મુખ્યમંત્રીના પત્ની અંજલીબેન રૂપાણીએ વેક્સિન લીધી
ગાંધીનગર: કોરોનાની રસીના ત્રીજા તબક્કાની આજથી શરૂઆત થઈ ગઈ છે. જે હેઠળ વરિષ્ઠ નાગરિકોને કોરોના રસી અપાઈ રહી છે. આજે પીએમ નરેન્દ્ર મોદીએ પણ કોરોના રસીનો પહેલો ડોઝ લીધો.
આ બાજુ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણીએ પણ ગાંધીનગરના ભાટ ખાતે આવેલી એપોલો હોસ્પિટલ ખાતે કોરોના રસી લીધી. અત્રે જણાવવાનું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા તમામ સિનિયર સિટીઝનને વેક્સિન લેવા માટેની અપીલ કરી હતી.
ગુજરાતના ૬૦ લાખ જેટલા વરિષ્ઠ વડીલોને આ રસીકરણ અભિયાનનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે. અંજલીબેન સિનીયર સિટીઝન હોવાને કારણે ત્રીજા તબક્કામાં વેક્સીન લીધી. સમગ્ર રાજ્યની ૨૧૯૫ જેટલી સરકારી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રો તેમજ ૫૩૬ જેટલી ખાનગી હોસ્પિટલ, દવાખાનાઓ મારફતે કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવશે.
આ હેતુસર તાલીમબદ્ધ ડોક્ટર્સ અને પેરા મેડિકલ સ્ટાફ સહિત આશરે ૩૦ હજાર જેટલા માનવબળની સેવાઓ ઉપલબ્ધ બનાવવામાં આવશે. આ મુદ્દે અપીલ કરતા સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આ રસીપુર્ણ રીતે સુરક્ષીત છે. તેમજ તેની કોઇ આડઅસર નથી. ૬૦ વર્ષથી વધારે વયના દરેક વડીલ આ રસીના બે ડોઝ જરૂર અને સમયસર લે. પોતાની જાતને કોરોનાથી સુરક્ષીત બનાવવા માટે અપીલ પણ મુખ્યમંત્રીએ કર્યો હતો.