Western Times News

Gujarati News

મુખ્યમંત્રીના હસ્તે ગોતા સ્મૃતિવનમાં ૬પ હજાર વૃક્ષ લગાવવામાં આવશે

Files Photo

ગાંધીનગર લોકસભા વિસ્તારમાં હરિયાળી ક્રાંતિ લાવવા મનપા કટિબધ્ધ : હિતેશભાઈ બારોટ

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: સ્માર્ટ સીટી અમદાવાદમાં “હરિયાળી ક્રાંતિ” આવી રહી છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વિકટ પરિસ્થિતિમાં પણ છેલ્લા બે વર્ષથી દસ લાખ કરતા વધુ રોપા લગાવવામાં આવે છે. મનપાએ ર૦૧૯ અને ર૦ર૦ની સફળતાના પગલે ર૦ર૧માં ૧૩ લાખ વૃક્ષો લગાવવા જાહેરાત કરી છે. મ્યુનિ. બગીચા વિભાગ દ્વારા મ્યુનિ. કોર્પોરેશનની મિલ્કતોમાં મોટાપાયે વૃક્ષારોપણ થઈ રહયા છે

તેમજ પ્રથમ વખત કલેકટર દ્વારા વૃક્ષારોપણ માટે ૩૬ પ્લોટ ફાળવવામાં આવ્યા છે જેમાં પણ ત્રણ લાખ કરતા વધુ વૃક્ષા લગાવવામાં આવશે. તદ્‌ઉપરાંત મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ગાંધીનગર લોકસભા વિસ્તારમાં પાંચ લાખ રોપા લગાવવા જાહેરાત કરવામાં આવી છે જેના ભાગરૂપે આગામી આઠ ઓગસ્ટ રવિવારે ગોતા વોર્ડમાં મુખ્યમંત્રીના હસ્તે એક જ પ્લોટમાં ૬પ હજાર રોપા લગાવવામાં આવશે. જયારે શહેરમાં મિશન મીલીયન ટ્રી કાર્યક્રમ અંતર્ગત ૬ લાખ કરતા વધુ રોપા અત્યાર સુધીમાં લગાવવામાં આવ્યા છે.

મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન હિતેશભાઈ બારોટે આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યુ હતુ કે વર્ષ ર૦૧રમાં થયેલ ટ્રી સેન્સસ મુજબ અમદાવાદ શહેરમાં ૪.૬૬ ટકા ગ્રીન કવર હતું જેને ૧પ ટકા સુધી લઈ જવાના ભાગરૂપે કોર્પોરેશન દ્વારા મિશન મીલીયન ટ્રી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે જેના કારણે હાલમાં શહેરનું ગ્રીન કવર ૧૦ ટકાની આસપાસ થઈ ગયું છે.

ગાંધીનગર લોકસભા વિસ્તારને લીલોછમ બનાવવામાં આવશે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ર૦ર૧માં જે ૧પ લાખ રોપા લગાવવામાં આવશે તે પૈકી પાંચ લાખ રોપા લોકસભા વિસ્તારમાં લગાવવામાં આવશે

જેના ભાગરૂપે આઠ ઓગસ્ટે ગોતા વોર્ડમાં ટી.પી પ૬, (સોલા-ગોતા-ઓગણજ) એફ.પી. ર૪૧માં સ્મૃતિભવન થીમ ડેવલપ કરવા માટે આયોજન કરવામાં આવ્યુ છે. અમદાવાદ શહેરમાં બનાવવામાં આવેલ થીમ આધારીત સામાજીક વનમાં બીજા ક્રમનો સૌથી વધુ વિસ્તાર ધરાવતો સામાજીક વન બનશે જેનો કુલ વિસ્તાર ૩૬૩૪૩ સ્કવેર મીટર છે જેમાં ૬પ હજાર વૃક્ષ લગાવવામાં આવશે જે પૈકી ૧પ હજાર વૃક્ષ એક જ દિવસે લગાવવામાં આવશે બાકીના પ૦ હજાર વૃક્ષ એક માસમાં લગાવવામાં આવશે. સ્મૃતિવનમાં ૯૦૦ મીટરથી વધુ લંબાઈનો વોક વે, ૧પ હજાર ચો.મી.માં મીયાવાકી ફોરેસ્ટ જેમાં ૬પથી વધુ જાતના વૃક્ષો લગાવવામાં આવશે. આ ઉપરાંત બાળકો માટે રમત-ગમતના સાધનો અને કસરતના સાધનો

તેમજ સીનીયર સીટીઝન માટે વનકુટિર તૈયાર થશે. અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા સેવા એપ્લીકેશન મારફતે પણ નાગરિકોના ઘરે તેમની પસંદગીના વૃક્ષ લગાવી આપવામાં આવે છે. સેવા એપ્લીકેશન મારફતે શહેરીજનોની માંગણી મુજબ ૬૦ હજારથી વધુ વૃક્ષો લગાવવામાં આવ્યા છે.

મ્યુનિ.કોર્પો. દ્વારા પ ઓગસ્ટ સુધી મિશન મીલીયન ટ્રી કાર્યક્રમ અંતર્ગત ૬ લાખ ૩૭ હજાર વૃક્ષ લગાવવામાં આવ્યા છે જેમાં આયુર્વેદિક રોપા જેવા કે તુલસી, અશ્વગંધા, અરડુસી, ગળો વગેરે પણ મોટી સંખ્યામાં લગાવવામાં આવ્યા છે તદઉપરાંત આમલી, વડ, પીપળો, લીમડો, આમળા, નગોડ, જેવી પારંપરિક જાતો તેમજ ગુંદા, ઉમરો, ચેતર, જેવા વૃક્ષો કે જેમાં પક્ષીઓ રહી શકે તે પણ લગાવવામાં આવી રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.