મુખ્યમંત્રીના હસ્તે જનવિકાસ ઝુંબેશ હેઠળ ખંભાત તાલુકાના ૭૦ હજાર ઉપરાંત લાભાર્થીઓને સાધન સહાયનું વિતરણ
આણંદ: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ કે રાજ્ય સરકારે ગુજરાતની સાડા છ કરોડની જનતાની સુખાકારી માટે ઝડપી નિર્ણયો લઇ પ્રજાજનોની આશાઓ અને આકાંક્ષાઓ તેમજ સપનાને સાકાર કર્યો છે. આ સંદર્ભે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે પારદર્શીતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને ગતિશીલતાના ચાર આધારસ્તંભો ઉપર રાજ્ય સરકાર સમાજના છેવાડાના માનવીના આર્થિક ઉત્કર્ષ માટે સદાય પ્રતિબદ્ધ છે.
મુખ્યમંત્રીશ્રી આણંદ જિલ્લાના પ્રભારી અને પંચાયત રાજ્યમંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં આજે આણંદ જિલ્લાના ખંભાત ખાતે જિલ્લા પ્રશાસન દ્વારા હાથ ઘરાયેલ જન વિકાસ ઝુંબેશ અંતર્ગત ૩૦ લાભાર્થીઓને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભોનું પ્રતિકાત્મક વિતરણ કર્યુ હતુ. મુખ્યમંત્રીશ્રીએ ખંભાત નગરપાલિકા દ્વારા રૂ. ૭.૫૮ કરોડના ખર્ચે નિર્માણ થનાર જનસુવિધા અને જન સુખાકારીના બે વિકાસ કામોનું ખાતમુહૂર્ત તથા રૂ. ૫.૨૭ કરોડના ચાર વિકાસ કામોનું લોકાર્પણ કર્યુ હતુ.
રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરણા અને આણંદ જિલ્લાના કલેક્ટર શ્રી આર.જી.ગોહિલના સફળ નેતૃત્વમાં ખંભાત તાલુકામાં જન વિકાસ ઝુંબેશ હેઠળ ૭૦ હજારથી વધુ લાભાર્થીઓને ઘરે ઘરે થી શોધી કાઢી રાજ્ય સરકારની પ્રજાકલ્યાણની યોજનાઓના લાભો હાથો હાથ કોઇપણ જાતના વચેટિયા વગર સીધે સીધા તેમના હાથમાં પહોંચાડી ગરીબો,પીડિતો, વંચિતોને આ સરકાર છેવાડાના માનવીની સરકાર છે તેની સંવેદનશીલતાની પ્રતિતિ કરાવી છે.
આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ૬૧ ગામોમાં પાત્રતા ધરાવતા અને સરકારી યોજનાઓના લાભોથી વંચિત લાભાર્થીઓને શોધી કાઢવા એક માસની જનવિકાસ ઝુંબેશ જિલ્લા તંત્ર દ્વારા ચલાવવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીએ ખંભાતનો વૈભવ વારસો પુનઃપ્રસ્થાપિત થાય તે માટે ખંભાતના બંદરને પુનઃજિવત કરવા સાથે ખંભાતમાં જી.આઇ.ડી.સી.ની સ્થાપના કરવામાં આવશે તેમ પણ આ વેળાએ જણાવ્યુ હતુ.
મણે ઉમેર્યુ કે રાજ્ય સરકારે નાનામાં નાના માણસોના કામોને પ્રાધાન્ય આપી તેને મળવાપાત્ર લાભો સરકારી કચેરીઓના ધક્કા ખાધા સિવાય કોઇપણ જાતના વચેટીયાઓ વગર સીધે સીધા તેમના હાથમાં પહોંચાડી પારદર્શી પ્રશાસનની પ્રતિતિ કરાવી છે. રાજ્યમાં વચેટિયાઓ-દલાલોની દુકાનો પર આ સરકારે ખંભાતી તાળા માર્યા છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે જનવિકાસ ઝુંબેશ, સેવા સેતુ કાર્યક્રમોના માધ્યમથી સંપૂર્ણ પારદર્શિતા સાથે જરૂરિયાતમંદોને એક જ સ્થળે સરકારી યોજનાઓના વ્યક્તિલક્ષી લાભો સરાજાહેર પહોંચાડ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે લોકોના નાણાંનો સદઉપોગ થાય અને રાજ્યની તિજોરી પર ભ્રષ્ટાચારનો કાળો પંજો ભરખી ન જાય તે માટે સરકારે ટેકનોલોજીનો વિનીયોગ કરી પારદર્શી પ્રશાસન દ્વારા દરિદ્રનારાયણો અને સમાજના છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભો પહોંચાડ્યા છે. તારાપુર અને ખંભાત તાલુકામાં હાથ ધરવામાં આવેલ જનવિકાસ ઝુંબેશ રાજયના અન્ય તાલુકાઓ માટે પ્રેરણારૂપ બની રહેશે તેવી અપેક્ષા તેમણે વ્યકત કરી હતી.
જનવિકાસ ઝુંબેશ હેઠળ ખોટો લાભાર્થી લાભ ન લઇ જાય અને સાચો લાભાર્થી લાભથી વંચિત ન રહી જાય તેની પણ પ્રશાસને ચિંતા કરી છે તેમ જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ ખંભાત તાલુકાના ૭૦ હજાર ઉપરાંત લાભાર્થીઓને એક છત્ર હેઠળ લાવી સરકારી યોજનાઓના લાભો આપવા બદલ તેમણે તલાટીથી માંડી જિલ્લા પ્રસાશનના ઉચ્ચ અધિકારીશ્રીઓને અભિનંદન પાઠવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલ પાક નુકસાની સહાય માટે સરકારે રૂ. ૩૭૯૫ કરોડનું ઐતિહાસિક કૃષિ સહાય પેકેજ જાહેર કરી સરકાર ધરતીપુત્રોની પડખે ઉભી રહી છે. ઉત્તર ગુજરાતમાં તીડ આક્રમણ સામે પણ સરકારે તાત્કાલિક પગલાં ભરી તીડ નિયંત્રણમાં સફળતા મેળવી છે. તીડ આક્રમણને કારણે ખેડૂતોને થયેલ પાક નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર ખેડૂતોને સહાય કરશે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ હતુ.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે રાજ્ય સરકાર ગરીબો વંચિતો, પીડીતો, શોષિતો, દલિતો, યુવાનો અને ખેડૂતોના હિતોને વરેલી છે. આ સરકાર પ્રજાના દુખે દુખી અને પ્રજાના સુખે સુખી છે એટલા માટે જ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં સફળ રહ્યા છીએ.
તેમણે ઉમેર્યુ કે પહેલા કોંગ્રેસના સમયમાં કહેવાતું કે કેન્દ્ર સરકાર પ્રજાના કામો માટે એક રૂપિયો મોકલે તો એમાંથી માત્ર ૧૫ પૈસા જ લોકો સુધી પહોંચતા ૮૫ પૈસા વચેટીયા , દલાલો આરોગી જતા હતા. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કહ્યુ કે ‘‘હું ખાતો નથી અને ખાવા દેતો પણ નથી’’ જેના પરિપાકરૂપે રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમનો ઉદભવ થયો છે.
ભુતકાળમાં યુ.પી.એ.ના શાસનકાળના ૧૦ વર્ષમાં ખેડૂતોના દેવા નાબૂદીના નામે માત્ર રૂપિયા ૫૫ હજાર કરોડની સહાય આપવામાં આવી હતી. કોંગ્રેસ દેવા નાબૂદીના નામે ખેડૂતોને ગુમરાહ કરી રહી છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર વર્ષે રૂપિયા ૭૫ હજાર કરોડની માતબર સહાય કરીને ખેડૂતોને મદદરૂપ થઇ છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે રાજ્ય સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં ૧.૨૫ લાખ યુવાનોને સરકારી નોકરીમાં ભરતી કર્યા છે. વર્ષ ૨૦૨૦ માં વધુ ૩૫૦૦૦ હજાર યુવાનોની ભરતી કરવામા આવશે. આ ઉપરાંત ખાનગી , મેન્યુફેકચરીંગ, તેમજ સેવા ક્ષેત્રમાં ૧૨ લાખથી વધુ યુવાનોને રોજગારી મળી રહે તે દિશામાં સરકાર આયોજનબધ્ધ રીતે આગળ વધી રહી છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે આયુષ્યમાન ભારત, મા અમૃતમ, મા વાત્સલ્ય યોજના હેઠળ સમાજના જરૂરિયાતમંદોને રૂપિયા પાંચ લાખનું આરોગ્ય સુરક્ષા કવચ પુરૂ પાડી રાજ્ય સરકારે તેની પાછળ રૂપિયા ૧૪૦૦ કરોડનો માતબર ખર્ચ કર્યો છે. રાજ્યની માતાઓ અને મહિલાઓની સુરક્ષાને વરેલી સંવદેનશીલ રાજ્ય સરકારે વિધવા સહાય યોજનાનું નામ બદલીને ગંગા સ્વરૂપા સહાયતા યોજના કર્યુ છે, એટલુ જ નહીં ગંગા સ્વરૂપા મહિલાઓને પેન્શનમાં વધારો કરી રૂ.૧૨૦૦ કરવામાં આવ્યુ છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે વર્ષ ૨૦૨૨ સુધીમાં દરેક ને ઘરનું ઘર મળે , શુધ્ધ પીવાનું પાણી મળે તે માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે. રાજ્યના મોટા શહેરો સહિત નાના શહેરોમાં જીરો સ્લમની દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે. મુખ્યમંત્રીશ્રીએ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના, અન્નપૂર્ણા યોજના હેઠળ રાજ્યમાં થયેલ કામગીરીની વિસ્તૃત માહિતી આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં દારૂબંધી, ગૌ હત્યા માટેના કાયદાનો અસરકારક અમલ કરવામાં આવી રહ્યો છે તેની ભૂમિકા આપી હતી. સાંસદ શ્રી મિતેષભાઇ પટેલે જણાવ્યુ કે સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હૈયે સમાજના છેવાડાના માનવીનું હિત રહેલુ છે. મિનીમમ ગર્વમેન્ટ અને મેક્ઝીમમ ગર્વનન્સના મંત્ર સાથે સરકારે કમર કસી છે તેનો ઉલ્લેખ કરતા શ્રી પટેલે જણાવ્યુ કે તારાપુર અને ખંભાત તાલુકાના પાત્રતા ધરાવતા લાભાર્થીઓને તેમને મળવા પાત્ર લાભો સીધા પહોંચાડયા છે.
સી.એમ. ડેશબોર્ડના માધ્યમથી ૩૪૦૦ થી વધુ ઇન્ડીકેટર સાથે મુખ્યમંત્રી શ્રી સરકારની યોજનાઓનું સીધુ મોનીટરીંગ કરી રહ્યા છે તેમ તેમણે ઉમેર્યુ હતુ. તેમણે જણાવ્યુ કે કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલ નાગરિકતા અધિકાર કાયદો કોઇની નાગરિકતા છીનવશે નહી પરંતુ આ કાયદામાં પાકિસ્તાન, અફગાનિસ્તાન અને બાંગ્લાદેશના લધુમતિઓને નાગરિકતા આપવાની જોગવાઇ કરવામાં આવી છે.
મુખ્ય મંત્રીશ્રીનું વિવિધ સંસ્થાઓ, સમાજ સંગઠનો દ્વારા અભિવાદન કરવામાં આવ્યુ હતુ. પ્રારંભે સૌનો અવકાર કરતા ધારાસભ્યશ્રી મયુરભાઇ રાવલે જણાવ્યુ કે જિલ્લા પ્રશાસન સહિત ખંભાત તાલુકા પ્રશાસન દ્વારા એક માસ દરમિયાન ઘરે ઘરે ફરી સરકારી યોજનાઓનો લાભ મેળવવા પાત્રતા ધરાવતા ૭૦ હજાર લાભાર્થીઓને શોધી કાઢી જનકલ્યાણનું સંવેદનશીલ કામ કર્યુ છે. તેમને ટીમ ખંભાત સહિત જિલ્લા પ્રશાસનના અધિકારીઓને જનસેવાના આ સૌથી મોટા અભિયાનને સફળ બનાવવા બદલ સહ્યદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. શ્રી રાવલે સરકારમાં સવારે એપ્લાય કરો અને સાંજે રીપ્લાય મળે છે તેવી આ સંવેદનશીલ સરકાર છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.
આ અવસરે સાસંદ શ્રી લાલસિંહ વડોદિયા, પૂર્વ સાસંદશ્રી દિલીપભાઇ પટેલ, પૂર્વ મંત્રી શ્રી રોહિતભાઇ પટેલ, પૂર્વમંત્રી શ્રી સી.ડી.પટેલ, પૂર્વ ધારાસભ્યશ્રી અંબાલાલ રોહિત, સંજયભાઇ પટેલ, અગ્રણી શ્રી મહેશભાઇ પટેલ , સુભાષભાઇ બ્રહ્મભટ્ટ, રમણભાઇ સોલંકી, છત્રસિંહ, મહિલા અગ્રણી શ્રીમતી હંસાકુંવરબા રાજ, આઇ.જી. રેન્જ શ્રી જાડેજા, કલેકટરશ્રી આર.જી.ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી આશિષકુમાર , નગરપાલિકા પ્રમુખ શ્રી યોગેશભાઇ ઉપાધ્યાય, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી જશોદાબેન મકવાણા, તાલુકા જિલ્લા પંચાયત સદસ્યો, નગરસેવકો, પદાધિકારીઓ, સહિત વિશાળ સંખ્યામાં લાભાર્થીઓ , નાગરિકો તથા શહેરીજનો હાજર રહ્યા હતા.