મુખ્યમંત્રીના હસ્તે વિર મેઘમાયા સ્મારક સંકુલનું ઈ-ખાતમૂર્હૂત કરવામાં આવ્યું
પ્રજાને પાણી મળે તે માટે પ્રાણનું બલિદાન આપનાર વિર મેઘમાયાને સમર્પિત પવિત્ર સ્થળના વિકાસ માટે રાજ્ય સરકાર કટીબદ્ધ : -મુખ્યમંત્રી
રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા રૂ.૦૩ કરોડના અનુદાનમાંથી મંદિરનું નવિન બાંધકામ, સ્મૃતિ ભવન, રિસર્ચ સેન્ટર, લાઈબ્રેરી અને અન્ય પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવામાં આવશે
માહિતી બ્યુરો, પાટણ: પાટણ ખાતે નિર્માણાધિન વિર મેઘમાયા સ્મારક સંકુલનું બીજા તબક્કાનું ઈ-ખાતમૂર્હૂત રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું. આજથી નવસો વર્ષ અગાઉ જનહિત માટે પોતાના પ્રાણનું બલિદાન આપનાર વિર મેઘમાયાની સ્મૃતિમાં કુલ રૂ.૧૧ કરોડના ખર્ચે નિર્માણ પામનાર રિસર્ચ સેન્ટર અને કમ્યુનિટિ હૉલ સહિતના સ્મારક સંકુલના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૦૩ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, પ્રજાને પાણી મળે તે માટે વિર મેઘમાયાએ સ્વેચ્છાએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું. પાટણ ખાતે તેમના ભવ્ય મંદિર અને સ્મારક સંકુલના નિર્માણ માટે વિર મેઘમાયા ટ્રસ્ટને રૂ.૦૩ કરોડની ગ્રાન્ટ ફાળવી રાજ્ય સરકાર દ્વારા વિકાસ કરવામાં આવી રહ્યો છે. રૂ. ૦૩ કરોડની આ રકમ માત્ર શરૂઆત છે, જરૂરીયાત ઉભી થતાં રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં વધુ ગ્રાન્ટ પણ ફાળવી આપવામાં આવશે. આ પવિત્ર સ્થળના વિકાસ માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે.
કોરોના સામેનો જંગ ગુજરાત જીતશે અને, કોરોના હારશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વિશ્વ આખું જ્યારે કોરોના વાયરસ મહામારી સામે લડી રહ્યું છે ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કોરોનાને હરાવવા રાજ્ય સરકારના તમામ વિભાગો સતત કાર્યરત છે.
આ પ્રસંગે ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા વિર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ટ્રસ્ટના ચેરમેન અને અમદાવાદ પશ્વિમ વિસ્તારના સાંસદશ્રી ડૉ.કિરીટભાઈ સોલંકીએ જણાવ્યું કે, અહીં મંદિરની સાથે સ્મૃતિ ભવન અને રિસર્ચ સેન્ટર જેવી સુવિધાઓ નિર્માણ થતાં વિર મેઘમાયાનું આ ભવ્ય સ્મારક સમગ્ર દેશ અને વિશ્વભરના તમામ વર્ગના લોકો માટે આસ્થાનું કેન્દ્ર બનશે.
શ્રી સોલંકીએ ભૂતકાળમાં તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપવામાં આવેલા અનુદાન અને હાલના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનો સ્મારકના વિકાસ માટે અનુદાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. પાટણના સહસ્ત્રલિંગ સરોવર પાસે આવેલા વિર મેઘમાયા મંદિરના નવનિર્માણ અને સ્મારક સંકુલને કુલ રૂ. ૧૧ કરોડના ખર્ચે વિકસાવવામાં આવનાર છે.
બીજા તબક્કાના આ ઈ-ખાતમૂર્હૂત બાદ રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા આપવામાં આવેલા રૂ. ૦૩ કરોડના અનુદાનમાંથી મંદિરનું નવિન બાંધકામ, સ્મૃતિ ભવન, રિસર્ચ સેન્ટર, લાઈબ્રેરી અને અન્ય પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવામાં આવશે. સાથે જ જે સરોવરમાં પાણી આવે તે માટે વિર મેઘમાયાએ બલિદાન આપ્યું હતું તે સહસ્ત્રલિંગ તળાવની પ્રતિકૃતિ પણ તૈયાર કરવામાં આવશે.
વિર મેઘમાયા મંદિર પ્રાંગણમાં સંગઠનના પ્રદેશ પ્રમુખશ્રી કે.સી.પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ તથા મેમોરિયલ ટ્રસ્ટના હોદ્દેદારોએ શિલાન્યાસવિધીમાં પૂજા-અર્ચના કરી હતી. આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજ, મદદનીશ કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે સહિતના અધિકારીશ્રીઓ, સંગઠનના પદાધિકારીશ્રીઓ તથા મેમોરિયલ ટ્રસ્ટના હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.