મુખ્યમંત્રીનો હોદ્દો છોડવો મારા માટે સહજ હતો, કશું શાશ્વત નથી: વિજય રૂપાણી
ગાંધીનગર, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામા બાદ ગઈકાલે નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની જાહેરાત કરવામાં આવી હતી. ત્યાર બાદ આજે બપોરે ૨ઃ૨૦ વાગે ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના ભાજપના મંત્રી-ધારાસભ્યો હાજર રહ્યા હતા. શપથવિધિ પૂર્ણ થયા બાદ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયા સાથે વાતચીત કરી હતી, જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પાર્ટીની પ્રશંસા કરી હતી અને આગળ એક સૈનિક તરીકે ગુજરાતના વિકાસમાં ભૂમિક ભજવવાની વાત કરી હતી.
શપથવિધિ બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે મને પૂર્વ વિશ્વાસ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરંભેલી વિકાસયાત્રાને ભૂપેન્દ્રભાઈ પણ ખૂબ આગળ વધારશે અને ગુજરાતનો વિકાસ સોળેકળાએ ખીલશે. મારું પદ છોડવું એ સહજતા હતી, મુશ્કેલ નહિ, કારણ કે પદ શાશ્વત નથી અને એ સાથે મારો એવો કોઈ લગાવ પણ નથી. હું તો એવું માનું છું કે ક્યારે પણ કોઈ કામનો અંત હોતો નથી. દરેક વખતે નવી સફર હોય છે.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે તાજેતરમાં જ મેં મારી દીકરીએ લખેલી એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાંચી હતી. એ પોસ્ટમાં દીકરીએ પોતાની ભાવના વ્યક્ત કરી છે. મને ગર્વ છે કે મારી દીકરીના વિચારો ખૂબ જ સારા છે, એટલે મુખ્યમંત્રી બાદ પાર્ટી મને જે કઈ જવાબદારી સોંપશે એ હું એવી જ નિષ્ઠાથી કરીશ.
જાહેર જીવનમાં પ્રજા સાથે એક કોમનમેન તરીકે હંમેશાં હું રહ્યો છું, હજી પણ મારી ભૂમિકા ભજવીશ અને આગામી ૨૦૨૨ની ચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય અપાવવા વિજયભાઈની ભૂમિકા એક સૈનિક તરીકે અવશ્ય રહેશે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગત શનિવારે તેમના પદ પરથી રાજીનામું આપી દેતાં રાજ્યમાં રાજકીય ગરમાવો આવ્યો હતો.HS