વડોદરા ખાતે હરિપ્રસાદ સ્વામીજીની 88મી જયંતી ‘ગુરૂભક્તિ મહોત્સવ’માં મુખ્યમંત્રીશ્રી ની ઉપસ્થિતિ
ગુરૂહરિ પરમપૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના ૮૮ મા પ્રાગટય દિવસે ગુરૂહરિ પ્રબોધજીવન સ્વામિ મહારાજ અને ભક્તોના મહેરામણ નું કર્યું ભાવ અભિવાદન:સંતોની આશિષ વર્ષામાં થયા અભિભૂત.
ગોવિંદ સુધી પહોંચવાનું માધ્યમ ગુરુ છે એટલે જ ગુરુનું સ્થાન ગોવિંદ સાથે મૂક્યું છે:મુખ્યમંત્રીશ્રી
સંતો મને નાનામાં નાના માણસની સેવા કરવાની તાકાત આપે એવી મુખ્યમંત્રીશ્રી એ કરી નમ્ર યાચના..
ધર્મ સભામાં યુવાનોએ આઝાદી ના અમૃત પર્વે દેશ માટે ૭૫ કલાક સમર્પિત કરવાનો લીધો સંકલ્પ..
વડોદરા,ગઈકાલે રાત્રે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વડોદરાની વિશાળ ધર્મસભામાં સંતો મને નાનામાં નાના માણસની સેવા કરવાની શક્તિ આપે એવી નમ્ર પ્રાર્થના કરી હતી.ગુરુનો મહિમા સમજાવતા તેમણે જણાવ્યું કે ગુરુ જ ગોવિંદ સુધી પહોંચાડે છે એટલે જ ગુરુને ગોવિંદની સાથે સ્થાન આપવામાં આવ્યું છે.મુખ્યમંત્રીશ્રી એ કહ્યું કે ધર્મ વગરનું વિજ્ઞાન માત્ર વિનાશ નોંતરે છે.
ધર્મ જીવનના પ્રશ્નોનો ઉકેલ આપે છે.દરેક જગ્યાએ અને જીવનમાં દરેક તબક્કે ધર્મ અને ગુરુનું માર્ગદર્શન જરૂરી છે.તેમણે પ્રધાનમંત્રીશ્રી ના અનુરોધ ને યાદ કરાવતા સૌ ને આઝાદીના અમૃત પર્વ વર્ષમાં ૭૫ કલાક રાષ્ટ્ર માટે સમર્પિત કરવાનો અનુરોધ કર્યો હતો. તેમનું આહવાન ઝીલીને વિશાળ ધર્મસભા એ આ સંકલ્પ લીધો હતો. તેમણે યુવાનોને એક ભારત શ્રેષ્ઠ ભારતના ઘડતરમાં યોગદાન આપવા જણાવ્યું હતું. તેમણે પ્રબોધ જીવનસ્વામિ ના અને સંસ્થાના ચારિત્ર્યવાન યુવા ઘડતરના કાર્ય ને પ્રેરક ગણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી એ ચિત્તને સંતવાણી સાથે જોડવા ભાવ અનુરોધ કર્યો હતો.
તેમની સાથે ભારતીય જનતા પક્ષના રાજ્ય અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ અને મહેસૂલ તથા કાયદા મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદી,મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી મનીષાબેન ધર્મસભામાં ઉપસ્થિત રહ્યાં હતાં. મુખ્યમંત્રીશ્રી એ ભાવપૂર્વક પ્રબોધ જીવન સ્વામીજીની પુષ્પ વંદના કરી હતી.જૈન મુનિ નય પદ્મ સાગર સ્વામીની પણ તેમણે આદર વંદના કરી હતી. આ પ્રસંગે સર્વ સંપ્રદાયોના પૂજ્ય સંતો,મહંતો,સાંસદશ્રીઓ,ધારાસભ્યશ્રીઓ, નગરના મેયરશ્રી,પક્ષ પદાધિકારીઓ અને હજારોની સંખ્યામાં ભાવિકો ગુરુ વંદના માટે ઉપસ્થિત રહ્યા હતા.