Western Times News

Gujarati News

મુખ્યમંત્રીશ્રી-નાયબ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક

કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતીમાં ગુજરાતમાં સાવચેતી અને તકેદારીના આગોતરા પગલાં સાથે વધુ કેટલાંક સંવેદનાસ્પર્શી નિર્ણયો

ઉચ્ચસ્તરીય બેઠકમાં વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતીમાં ગુજરાતમાં સાવચેતી અને તકેદારીના આગોતરા પગલાં સાથે ગરીબ શ્રમજીવો સહિત સામાન્ય નાગરિકો માટે સંવેદનાસ્પર્શી નિર્ણયો લેવામાં આવ્યા છે.

વર્તમાન સ્થિતીમાં ગરીબ અને સામાન્ય પરિવારોને ખાદ્ય અને અન્ન પુરવઠો મેળવવામાં અને જીવનનિર્વાહ કોઇ મુશ્કેલી ન રહે તે માટે એ.પી.એલ અને બી.પી.એલ કાર્ડધારકોને સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન પરથી જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત એક માસનું અનાજ એડવાન્સમાં આપવામાં આવશે તેવો સંવેદનશીલ નિર્ણય કરવામાં આવ્યો છે.

આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી કુમાર કાનાણી, મુખ્ય સચિવ શ્રી ડૉ. અનિલ મૂકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન, અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસ તેમજ સામાન્ય વહીવટ વિભાગના અગ્ર સચિવ શ્રી કમલ દયાની, આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિ અને મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિની કુમારની ઉપસ્થિતીમાં યોજાયેલી આ બેઠકમાં લેવાયેલા અન્ય મહત્વના નિર્ણયો અનુસાર રાજ્ય સરકારના સમાજકલ્યાણ અને મહિલા બાળકલ્યાણ વિભાગની માસિક સહાય-પેન્શન મેળવતા નિરાધાર, વૃદ્ધ, વિધવા માતા-બહેનો અને દિવ્યાંગો વગેરેને એક માસનું પેન્શન એડવાન્સમાં આપવાનો નિર્ણય પણ મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે.

કોરોના વાયરસનો વ્યાપ કે ફેલાવો રાજ્યમાં વધે નહિ અને વધુ લોકો સંક્રમિત ન થાય તેવા ઉદ્દાત હેતુથી આ બેઠકમાં એવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે કે રાજ્ય સરકારની કચેરીઓમાં તા.ર૯ માર્ચ-ર૦ર૦ સુધી પૂર્વઅનુમતિ – એપોઇન્ટમેન્ટ સિવાય અને અગત્યના ન હોય તેવા કામો માટે મુલાકાતીઓને પ્રવેશ અપાશે નહિ.

જિલ્લા સ્તરે આવેલા જનસેવા કેન્દ્રો પર લોકો પોતાના કામો માટે મોટીસંખ્યામાં જતા હોય છે ત્યારે તેનાથી પણ કોરોના વાયરસનું વધુ સંક્રમણ ન થાય તે માટે આ જનસેવા કેન્દ્રો પણ બંધ કરવામાં આવ્યા છે.  રાજ્યમાં રેસ્ટોરન્ટ અને હોટલોમાં ખાવા-પીવાની વસ્તુઓની કાઉન્ટર ડિલીવરી કે ટેક હોમ ડિલીવરી કરવામાં આવશે. આવા રેસ્ટોરન્ટ – હોટલોમાં ત્યાં સ્થળ પર બેસીને ખાન-પાન કરી શકાશે નહિ.

રાજ્યમાં દવાઓ, કરિયાણું અને જીવનજરૂરી ચીજવસ્તુઓના વેચાણ સિવાયની ચીજવસ્તુઓ માટે શોપીંગ મોલ્સ બંધ રાખવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે.      આગામી રવિવાર તા. રર માર્ચ-ર૦ર૦ના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની જનતા કરફયુની અપિલનું સમર્થન કરતા ગુજરાતમાં એસ.ટી. બસ સેવાઓ તેમજ નગરો-મહાનગરોમાં સ્થાનિક તંત્ર સંચાલિત શહેરી પરિવહન સેવાઓ, બી.આર.ટી.એસ., એ.એમ.ટી.એસ. વગેરે સવારે ૭ થી રાત્રે ૯ વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જનજાગૃતિ, તકેદારી અને સાવચેતી સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઇડલાઇન્સને અનુસરીને આ વૈશ્વિક મહામારીનો ખોટા ભય કે ડર વગર સામનો કરવા પણ અનુરોધ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.