Western Times News

Gujarati News

મુખ્યમંત્રી અમદાવાદમાં રૂા.1078 કરોડના કામોનું ઓનલાઈન લોકાર્પણ-ખાતમુર્હૂત કરશે

૯૨ કરોડના ૨૧ કામોનું લોકાર્પણઃ ૯૮૬ કરોડનાં ૫૧ કામોનું ખાતમુર્હૂતઃ બોપલ ઈકોલોજી પાર્ક, હાઉસીંગ પ્રોજેક્ટના રૂા.૬૦૦ કરોડના ૨૮ કામ નવા કોતરપુર એસ.ટી.પી.ના ઓનલાઈન ખાતમુર્હૂત થશેઃ આઠ બગીચાના લોકોર્પણ કરવામાં આવશે

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનની ચૂંટાયેલી પાંખની ટર્મ આગામી ૧૫ ડીસેમ્બરે પૂર્ણ થઈ રહી છે. કેારોના મહામારીના કારણે મહાનગરપાલિકાની ચૂંટણી ત્રણ મહિના સુધી મૂલત્વી રાખવામાં આવી છે. તેથી ૧૫ ડિસેમ્બર બાદ વહીવટદારની નિમણૂંક કરવામાં આવે તેવી શક્યતા છે. જેના કારણે સત્તાધારી પાર્ટી દ્વારા પ્રજાકીય કામોના લોકાર્પણ અને ખાતમુર્હૂત કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આગામી ચાર ડીસેમ્બરે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા અંદાજે રૂા.1078ના ખર્ચથી પૂર્ણ કરવામાં તેમજ મંજૂર કરવામાં આવેલ કામો ઓનલાઈન નાગરીકો સમક્ષ ખુલ્લા મૂકવામાં આવશે. જેમાં બગીચા, બ્રીજ, હાઉસીંગ, વો.ડી.સ્ટેશન, એસ.ટી.પી, ટેનીસ કોર્ટ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા બોપલ વિસ્તારની ડમ્પ સાઈટ ક્લીયર કરીને જગ્યા પર ઈકોલોજી પાર્ક તૈયાર કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. અંદાજે રૂા.૫.૪૫ કરોડ કરોડના ખર્ચથી તૈયાર થનાર ઈકોલોજી પાર્કનું ખાતમુર્હૂત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવશે. તદુપરાંત ગોતા, ચાંદલોડીયા, બોડકદેવ, રાણીપ, વાસણા તથા નરોડા વિસ્તારમાં રૂા.૮.૪૯ કરોડના ખર્ચથી બનાવવામાં આવેલા આઠ બગીચાના લોકાર્પણ પણ કરવામાં આવશે. મુખ્યમંત્રી દ્વારા ચાર ડીસેમ્બરે વોટર પ્રોજેક્ટ વિભાગના ત્રણ કામોના લોકાર્પણ અને ૦૬ કામોના ઓનલાઈન ખાતમુર્હૂત પણ કરવામાં આવશે. જેમાં લાંભા વોર્ડના સૈજપુર ગામમાં રૂા.૬.૬૦ કરોડના ખર્ચથી તૈયાર કરવામાં આવેલ. વો.ડી.સ્ટેશન, ખોખરા વોર્ડમાં ગુજરાત કામદાર ખાતે રૂા.૯.૭૫ કરોડના ખર્ચથી બનાવવામાં આવેલ વો.ડી.સ્ટેશન અને સરખેજ વોર્ડમાં રૂા.૧૭.૭૦ કરોડના ખર્ચથી તૈયાર થયેલ વો.ડી.સ્ટેશનના લોકાર્પણ થશે. વોટર પ્રોજેક્ટ વિભાગના અંદાજે રૂા.૧૧૫ કરોડના કામોનું ઓનલાઈન લોકાર્પણ-ખાતમુર્હૂત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કરશે.

મ્યુનિ.ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગના અંદાજે રૂા.૧૩૫ કરોડના કામોનું ખાતમુર્હૂત પણ ચાર ડીસેમ્બરે જ કરવામાં આવશે. જેમાં લાંભા વોર્ડમાં રૂા.૧૩.૫૦ કરોડના ખર્ચથી તૈયાર થનાર ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન, વસ્ત્રાલ વોર્ડમાં રૂા.૫.૫૦ કરોડના ખર્ચથી નવા નેટવર્કના કામ તેમજ વટવા વિસ્તારમાં રૂા.૧૨ કરોડના ખર્ચથી તળાવ ઈન્ટરલીંકના કામ મુખ્ય છે. તદુપરાંત કોતરપુર વિસ્તારમાં રૂા.૧૦૫ કરોડના ખર્ચથી ૬૦ એમ.એલ.ડી.ક્ષમતાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ ઓનલાઈન ખાતમુર્હૂત કરવામાં આવી શકે છે. મ્યુનિ.બિલ્ડીંગ પ્રોજેક્ટના વિવિધ કામોના પણ મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ-ખાતમુર્હૂત કરવામાં આવશે. જેમાં શાહપુર વોર્ડમાં જૂના મેટરનીટી હોમને તોડી રૂા.૨.૭૫ કરોડના ખર્ચથી નવા અર્બન હેલ્થ સેન્ટરનું ખાતમુર્હૂત તથા ચાંદલોડીયા વોર્ડમાં જગતપુર રોડ પર બનાવવામાં આવેલ અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ મુખ્ય છે.

તદુપરાંત શહેરના હાથીજણ વોર્ડ, ચાંદખેડા તેમજ બોડકદેવ વોર્ડમાં રૂા.૧.૧૦ કરોડના ખર્ચથી બનાવવામાં આવેલ ટેનીસ કોર્ટના લોકાર્પણ કરવામાં આવશે. સરસપુર વોર્ડના આંબેડકર હોલના સ્થાને કોમ્યુનીટી હોલ તથા લાઈબ્રેરી બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે. અંદાજે રૂા.૪૨ કરોડના ખર્ચથી તૈયાર થનાર સદર હોલના કામનું ઓનલાઈન ખાતમુર્હૂત કરવામાં આવશે. જ્યારે નારણપુરા વિસ્તારમાં શાસ્ત્રીનગર પાસે રૂા.૧.૫૦ કરોડના ખર્ચથી તૈયાર થનાર જીમ્નેશીયમનું ખાતમુર્હૂત થશે.

મુખ્યમંત્રી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ રીડેવલપમેન્ટ ઓફ પબ્લીક હાઉસીંગ પોલીસી અંતર્ગત ૨૬ સ્થળે રૂા.૬૦૫ કરોડના કામોનું ખાતમુર્હૂત કરવામાં આવશે. જ્યારે રૂા.૪૦ કરોડના ખર્ચથી ત્રણ સ્થળે પૂર્ણ થયેલ કામોનું લોકાર્પણ પણ કરવામાં આવશે. જેમાં બોડકદેવ વોર્ડમાં ટી.પી.૫૦માં તૈયાર કરવામાં આવેલા ૧૬૮ આવાસ, લાંભા વોર્ડમાં ટી.પી.૫૫માં બનાવવામાં આવેલા ૧૬૮ મકાન અને લાંભા વોર્ડમાં જ ટી.પી.૫૫માં તૈયાર થયેલ ૪૪૮ આવાસનો સમાવેશ થાય છે. રોડ પ્રોજેક્ટ અંતર્ગત મણીનગર વોર્ડમાં આર.સી.સી.વોર્ડના કામનું ખાતમુર્હૂત થશે. જ્યારે ખારી નદી પર વિવેકાનંદનગર બ્રીજ જગતપુરા બ્રીજના પણ ઓનલાઈન ખાતમુર્હૂત મુખ્યમંત્રી કરશે તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.