મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રવિવારે ખેડૂત નેતાઓને લંચ આપશે
નવીદિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ખેડૂત સંગઠનોના મોટા નેતાઓને વિધાનસભામાં લંચ આપશે. આ દરમિયાન અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે. ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદાને પાછા લેવાની માંગને લઈને પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ સિંધુ બોર્ડર પર ચાલી રહેલું ધરણા પ્રદર્શન શનિવારે ૮૭માં દિવસમાં પ્રવેશ્યું છે. આ સાથે ગાજીપુર, શાહજહાપુર અને સિંધુ બોર્ડર પર પણ ખેડૂતો સતત ધરણા પ્રદર્શન કરી કેન્દ્ર સરકાર પર ૩ કૃષિ કાયદાને પાછા લેવાની માંગ કરી હતી
આ દરમિયાન દિલ્હીના સત્તાધીન આમ આદમી પાર્ટી સરકારના પ્રમુખ અરવિંદ કેજરીવાલે મોટું એલાન કર્યુ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવારે રવિવારે ખેડૂત નેતાઓ સાથે લંચ પર ચર્ચા કરશે. આ ચર્ચા ૩ કૃષિ બિલો સંબંધિત ખામીઓ પર હશે. જાણકારી સામે આવી રહી છે કે ખેડૂત સંગઠનોના મોટા નેતાઓને દિલ્હી વિધાનસભામાં લંચ આપશે. આમાં તમામ મોટા ખેડૂત નેતા અને આમ આદમી પાર્ટીના નેતા ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે ખેડૂત આંદોલનનું અરવિંદ કેજરીવાલ સમર્થન કરી રહ્યા છે.
નોંધનીય છે કે પંજાબની સ્થાનીક સ્વરાજની ચૂંટણીના પરિણામો પર કૃષિ બિલની વિરુદ્ધ ગત ૨ મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા ખેડૂત આંદોલન પર પૂરો પ્રભાવ પડ્યો છે. પંજાબના ખેડૂતોના સમર્થનમાં રહેલી કોંગ્રેસને સ્થાનીક સ્વરાજમાં જબરજસ્ત સફળતા મળી છે. ત્યારે કેટલાક હદ સુધી આમ આદમી પાર્ટીને ખેડૂતોના સમર્થનનો લાભ મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે કૃષિ કાયદાની વિરુદ્ધ આમ આદમી પાર્ટી સતત ઉભી રહી છે. દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આંદોલન કરી રહેલા ખેડૂતોને અનેક પ્રકારની મદદ કરી છે. ખેડૂતોને વાઈફાઈની સુવિધા સુદ્ધા આપી છે. આમ છતાં પંજાબમાં જનતાએ આમ આદમી પાર્ટીને સફળતા નથી આપી. તે અનેક સ્થાનો પર ત્રીજા નંબરની પાર્ટી બની રહી છે. નોંધનીય છે કે પંજાબમાં ખેડૂત મતદાતા આવનારી વિધાનસભા ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકામાં રહેશે. આ માટે આમ આદમી પાર્ટી અત્યારથી તેમને આકર્ષવામાં લાગી છે.