મુખ્યમંત્રી આદિત્યનાથે પોતાની પાસે ૨-૪ નહીં પણ ૩૪ ખાતાં રાખ્યા

લખનૌ, ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં બીજી વાર પ્રચંડ બહુમતીથી ચૂંટાયેલી યોગી સરકાર ૨.૦માં ગઇ કાલે મંત્રીઓને ખાતાની સોંપણી કરી દેવાઇ. સીએમ યોગીએ પોતાની પાસે ૨-૪ નહીં પણ ૩૪ ખાતાં રાખ્યા. જ્યારે તેમના પહેલાં ડેપ્યુટી કેશવ પ્રસાદ મૌર્યને ૬ ગ્રામ વિકાસ સહિત ૬ વિભાગ, તો બીજા નાયબ બ્રજેશ પાઠકને આરોગ્ય ખાતાની જવાબદારી સોંપી છે.
ત્રણ દિવસની ઇંતેજારી બાદ ગઇકાલે સોમવારે સાંજે યુપી કેબિનેટમાં મંત્રીઓને ખાતાની જવાબદારી સોંપવામાં આવી. જેમાં પ્રથમ વખત મંત્રી બનેલા નેતાઓને કાસ મહત્વ અપાયું.
કેબિનેટ મંત્રી બેબીરાની મૌર્યને મહિલા કલ્યાણ, બાળ વિકાસ અને પુષ્ટાહાર જેવું મહત્વનું ખાતું આપવામાં આવ્યું છે. યોગેન્દ્ર ઉપાધ્યાયને ઉચ્ચ શિક્ષા જેવા મોટા વિભાગની જવાબદારી આપી. આ સાથે તેમને ત્રણ ખાતા ઉચ્છ શિક્ષણ, વિજ્ઞાન ટેક્નોલોજી, ઇલોક્ટ્રોનિક્સ એન્ડ ટેક્નોલોજીનો હવાલો આપવામાં આવ્યો છે.
ઉત્તર પ્રદેશ પ્રવાસનની સાથે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના પ્રતીક સ્થળોના વિકાસની જવાબદારી જયવીર સિંહને સોંપવામાં આવી છે. પરિવહન ખાતું દયાશંકર સિંહને અપાયું. તેમને સ્વતંત્ર રાજ્ય મંત્રી બનાવાયા છે. જ્યારે આઇપીએસની નોકરી છોડી રાજકારણમાં આવેલા અસીમ અરુણને સમાજ કલ્યાણ, એસટી/એસસી કલ્યાણ વિભાગ આપવામાં આવ્યો છે.
કોંગ્રેસમાંથી આવેલા રાકેશ સચાનને સિદ્ધાર્થનાથ સિંહના ખાતા અને કોંગ્રેસમાંથી જ આવેલા પ્રતાપ સિંહને ઉદ્યાન અને કૃષિ ખાતા સોંપાયા છે. તો ચૂંટણીના થોડા દિવસો પહેલાં જ સપામાંથી આવેલ નિતિન અગ્રવાલને પણ આબકારી વિભાગ સોંપવામાં આવ્યો છે.
જ્યારે યોગી સરકારની બીજી કેબિનેટમાં બ્રજેશ પાઠક અને જિતિન પ્રસાદ સહિત કેટલાક નેતાઓનાકદ વધારવામાં આવ્યા છે. પાઠક પાસે પહેલાં ન્યાય અને ગ્રામીણ વિભાગની જવાબદારી હતી. તેમને હવે આરોગ્ય ખાતું પણ સોંપવામાં આવ્યું છે. તે પહેલાં તેમને ડેપ્યુટી સીએમ બનાવી બ્રહ્મણ લોબીમાં સારો સંદેશ આપવાની કોશીશ કરવામાં આવી છે.HS