મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજનાની જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીએ યોજેલી સમીક્ષા બેઠક

રાજપીપળા નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીના અધ્યક્ષપદે આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજાયેલી મુખ્યમંત્રીશ્રી એપ્રેન્ટીસ યોજનાની સમીક્ષા બેઠકમાં જિલ્લાના તમામ ઔદ્યોગિક એકમોમાં કુલ મેનપાવરના ૧૦ ટકા સુધી મુખ્યમંત્રીશ્રીની એપ્રેન્ટીસ યોજના અંતર્ગત ભરતી કરાવવા અંગે ફાળવેલ લક્ષ્યાંકની સામે થયેલ સિધ્ધિની સમીક્ષા કરી હતી.
નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસ, સ્ટેટ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલશ્રી ઇશ્વરભાઇ પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. કે.પી.પટેલ, જનરલ હોસ્પિટલના સિવીલ સર્જન શ્રીમતી ડૉ. જ્યોતિ ગુપ્તા, રોજગાર અધિકારીશ્રી જી.આર.બારીયા, લાઇન ડિપાર્ટમેન્ટ અને કંપની એકમોના અધિકારીશ્રીઓ-પ્રતિનિધિશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીએ કંપનીનાં મેનપાવરના અઢી ટકા જેટલી ભરાયેલી જગ્યાની ટકાવારી ૧૦ ટકા સુધી સમયસર લઇ જવા અને તે અંગેની જરૂરી કાર્યવાહી સત્વરે પૂર્ણ કરવાની જે તે એકમોને જરૂરી સૂચના અને માર્ગદર્શન પણ પુરૂં પાડ્યું હતું. શ્રી કોઠારીએ વધુમાં આઇ.ટી.આઇ.ના આચાર્યશ્રીના સંકલનમાં રહીને કામગીરી પૂર્ણ કરવાની હિમાયત કરી હતી.