મુખ્યમંત્રી કે વડાપ્રધાન રહેતા ક્યારેય એક પણ રજા નથી લીધી : મોદી
નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ભાજપ સંસદીય દળની બેઠકમાં સંબોધન કર્યું હતું જેમાં પીએમ મોદીએ ભાજપના સાંસદોને પોતાનો સંદેશ આપ્યો. પીએમ મોદીએ આ દરમિયાન કહ્યું મેં મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી રહેતા ક્યારેય એક પણ રજા લીધી નથી, જે પણ કામ કર્યું છે તે ઇતિહાસ બનશે.
નોંધનીય છે કે આ પહેલા પણ સાંસદોની ઉપસ્થિતિને લઈને પીએમ મોદીએ ઘણીવાર સાંસદોને ઠપકો આપ્યો છે. ૧૦મી માર્ચે પીએમ મોદી સાંસદોને કહ્યું હતું કે બધા જ સાંસદોએ સત્રમાં હાજ રહેવું જાેઈએ. તેમણે કહ્યું હતું કે આ યોગ્ય નથી કે પાર્ટીના સાંસદોને વારંવાર હાજર રહેવા માટે કહેવું પડે.
નોંધનીય છે કે આજે જે બેઠક કરવામાં આવી હતી તે પહેલા ૧૭મી માર્ચે યોજાવાની હતી પરંતુ હિમાચલ પ્રદેશના ભાજપ સાંસદ રામ સ્વરૂપ શર્માના નિધન બાદ તે બેઠક રદ કરી દેવામાં આવી હતી. કથિત રૂપે કહેવામાં આવ્યું છે કે તેમણે પોતાના આવાસ પર જ આપઘાત કર્યો હતો, પોલીસ આ મુદ્દે વધુ તપાસ કરી રહી છે. વર્ષ ૨૦૦૧માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા અને તે બાદ સતત જીત હાંસલ કરતાં રહ્યા અને પદ પર રહ્યા. વર્ષ ૨૦૧૪માં ૨૬મી મેના રોજ તેઓ દેશના વડાપ્રધાન બન્યા હતા. પીએમ મોદી ક્યારેય રજા નથી લેતા તે મુદ્દે અગાઉ ઘણીવાર ઘણા નેતાઑએ વખાણ પણ કર્યા છે.