Western Times News

Gujarati News

જનભાગીદારી યોજનામાં સોસાયટીઓમાં રૂા.૭૧૫ કરોડના ખર્ચે RCC રોડ બનાવવામાં આવ્યાં

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરની ખાનગી સોસાયટીઓને આર.સી.સી.રોડ, સ્ટ્રીટ લાઈટ, પાણી, ડ્રેનેજની સુવિધા રાહતદરે મળી રહે તે માટે રાજ્ય સરકારે ૨૦૧૨ની ચૂંટણી સમયે “સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના” જાહેર કરી હતી. ૭૦ઃ૨૦ઃ૧૦ના નામથી જાણીતી આ યોજનામાં અમલી થઈ તે સમયે સરકાર તરફથી ૭૦ ટકા, લાભાર્થી ફાળો ૨૦ ટકા અને મ્યુનિ.કોર્પાેરેશન તરફથી ૧૦ ટકા ફાળા આપવા અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો.

થોડા સમય અગાઉ તેમાં ધારાસભ્ય અને કોર્પાેરેટર ગ્રાન્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારની સદર યોજના અંતર્ગત છેલ્લા નવ વર્ષમાં રૂા.૮૦૦ કરોડના કામો કરવામાં આવ્યા છે. જેમાં આર.સી.સી.રોડ માટે વધુ ખર્ચ થયો છે.

રાજ્ય સરકાર તરફથી સમયસર ગ્રાન્ટ મળતી ન હોવાથી મ્યુનિ.તિજાેરીમાંથી ખર્ચ થાય છે. જે પેટે મનપાને સરકાર પાસેથી રૂા.૧૦૦ કરોડ લેવાના બાકી નીકળે છે. જ્યારે ૯ હજાર કરતાં વધુ ખાનગી સોસાયટીઓમાં રૂા.૭૧૫ કરોડના ખર્ચે આર.સી.સી.રોડ બનાવી શહેરને ડસ્ટ ફ્રી કરવામાં આવ્યું છે.

શહેરની ખાનગી સોસાયટીઓમાં ૨૦૧૨ના વર્ષથી શરૂ કરવામાં આવેલી જનભાગીદારી યોજના અંતર્ગત મ્યુનિ.કોર્પાેરેશનને ૯૮૮૩ સોસાયટીઓ પાસેથી રોડ, લાઈટ, પાણીની સુવિધા માટે અરજીઓ મળી છે. જેની સામે ૯૮૧૧ સોસાયટીના કામ લગભગ પૂર્ણ થઈ ગયા છે.

મ્યુનિ.સૂત્રોએ જણાવ્યા મુજબ સામાન્ય વિસ્તાર માટે રૂા.૮૭૨.૮૩ કરોડ અને પછાત વિસ્તારો માટે રૂા.૧૬.૧૫ કરોડ મળી કુલ રૂા.૯૩૪.૩૯ કરોડના ટેન્ડર મંજૂર કરવામાં આવ્યા છે. આર.સી.સી.રોડ માટે સામાન્ય વિસ્તારોમાં રૂા.૬૭૭.૨૮ તથા પછાત વિસ્તારમાં રૂા.૫૩.૮૯ કરોડ ફાળવવામાં આવ્યા હતા.

જેની સામે સામાન્ય વિસ્તારોમાં રૂા.૬૭૭.૨૮ કરોડ અને પછાત વિસ્તારોમાં રૂા.૩૮.૦૫ કરોડના ખર્ચથી આર.સી.સી.રોડ બની ગયા છે. જ્યારે બંને વિસ્તારો મળી કુલ રૂા.૬૩ કરોડના ખર્ચથી આર.સી.સી.રોડ બની રહ્યા છે. મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ઓગસ્ટ-૨૦૨૧ના અંત સુધી કુલ રૂા.૭૯૮.૬૦ કરોડના કામ પૂર્ણ થયા છે.

જેમાં લાભાર્થીઓ તરફથી મળેલ ફાળામાંથી રૂા.૧૪૦.૬૩ કરોડ મ્યુનિ.ફંડમાંથી રૂા.૧૩૩.૬૭ કરોડ અને ધારાસભ્ય ગ્રાન્ટમાંથી રૂા.૫૦૨.૫૦ કરોડ ખર્ચ થયા છે. રાજ્ય સરકારની ગ્રાન્ટ મળવામાં વિલંબ થતો હોવાથી મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જે પેટે મનપાને સરકાર પાસેથી રૂા.૧૦૦ કરોડ લેવાના બાકી નીકળે છે.

રાજ્ય સરકારની સદર યોજનામાં વિવિધ સોસાયટીઓ તરફથી ૧૦૦૯૬ કામો માટે અરજી મળી હતી જેની સામે ૯૬૩૭ કામ પૂર્ણ થયા છે. જ્યારે રૂા.૧૩.૬૯ કરોડના ખર્ચથી ૧૭૪ સ્થળે રોડ, પાણી, લાઈટ અને ડ્રેનેજના કામો ચાલી રહ્યા હોવાનું સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.