મુખ્યમંત્રી જયરામ ઠાકુરના સુરક્ષા કર્મી અને પોલીસ વચ્ચે મારપીટ
શિમલા: કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી કુલુ પહોંચતા જ હિમાચલ પોલીસની શિસ્તબદ્ધતાના દાવાની પોલ ખુલ્લી પડી ગઈ. ગડકરી આવ્યા તે સમયે જ ભુંતર એરપોર્ટની બહાર પોલીસ વડા ગૌરવ સિંહ અને મુખ્યમંત્રી જયરામ ઠાકુરના સુરક્ષા અધિકારીઓ વચ્ચે મારામારી થઈ.
નીતિન ગડકરીના કાફલામાં મુખ્યમંત્રી જયરામ ઠાકુરનું વાહન પાછળ હોવાના કારણે ભુંતર એરપોર્ટની બહાર પોલીસ વડા ગૌરવસિંહની સાથે સુરક્ષા અધિકારી વૃજેશ સૂદનો વિવાદ થયો. ગૌરવસિંહે આવેશમાં આવીને મુખ્યમંત્રીના સુરક્ષા અધિકારી વૃજેશ સૂદને થપ્પડ મારી. મુખ્યમંત્રીના સુરક્ષા અધિકારીઓને આ વાતની ખબર પડી ત્યારે તે પણ આવેશમાં આવી ગયા અને તેમણે પોલીસ વડા સાથે ધક્કામુક્કી કરી. આ ઘટના બની ત્યારે જયરામ ઠાકુર ગાડીમાં જ બેઠા હતા.
તેમણે સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે અને ત્રણ દિવસમાં તેનો અહેવાલ માંગ્યો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને મળવા માટે ભુંતરમાં ફોરલેન પ્રભાવિત ખેડૂત સંઘના હોદ્દેદારો તેમને મળવા ગયા હતા. નીતિન ગડકરીનો આવો કોઈ કાર્યક્રમ ન હતો. તેથી તેઓ ત્યાં અચાનક રોકાઈ ગયા. ફોરલેન પ્રભાવિતોએ તેમની સમક્ષ પોતાની વાત રજૂ કરી.
કાફલામાં યોગ્ય વ્યવસ્થા ન હોવાના લીધે મુખ્યમંત્રી જયરામ ઠાકુર અને તેમના સુરક્ષા કર્મચારીઓ પાછળ રહી ગયા. જ્યારે મુખ્યમંત્રી પહોંચ્યા તો નીતિન ગડકરી ગાડીમાં બેસી ગયા હતા. વૃજેશ સૂદે આ વાતને લઈને ગૌરવસિંહ સામે વાંધો ઉઠાવ્યો. પછી બંને વચ્ચે બોલાચાલી થઈ અને બોલાચાલી મારામારી સુધી પહોંચી. મુખ્યમંત્રીના સુરક્ષા કર્મચારીઓ અને પોલીસ અધિકારી વચ્ચે થયેલી મારામારીની નોંધ ડીજીપી સંજય કુંડુએ લીધી છે. તેઓ સમગ્ર ઘટનાક્રમની વિગતો મેળવશે. તેમણે ઘટનાની તપાસ સેન્ટ્રલ રેન્જના ડીઆઇજી મધુસૂદનને સોંપી છે.