Western Times News

Gujarati News

મુખ્યમંત્રી દાહોદથી પોષણ અભિયાનનો રાજ્ય વ્યાપી પ્રારંભ કરાવશે

દાહોદ નગરમાં ઝાલોદ રોડ સ્થિત નવજીવન કોલેજના પટાંગણમાં તા.૨૩ના સવારે ૧૦ વાગ્યે કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી સહભાગી બનશે

દાહોદ જિલ્લાની સુરક્ષા સવલતોમાં વધારો કરતા વિકાસ કામોનું લોકાર્પણ પણ મુખ્યમંત્રીશ્રી રૂપાણી કરશે

દાહોદ: ગુજરાતના બાળકોને કુપોષણમાંથી મુક્ત કરાવી ભારતનું ભવિષ્ય તંદુરસ્ત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા પોષણ અભિયાનનો રાજ્ય વ્યાપી પ્રારંભ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી દાહોદથી કરાવવાના છે. રાજ્ય સરકારની આરોગ્ય અને પોષણને લગતી યોજનાના ખરા અર્થમાં સંવાહક એવી મહિલાશક્તિ સમાન આંગણવાડીની યશોદા માતાઓ, પૂર્ણા સખી, પૂર્ણા સહસખી સહિત આરોગ્ય વિભાગની મહિલા કર્મયોગિનીઓને આ પોષણ અભિયાન અંગે મુખ્યમંત્રીશ્રી માર્ગદર્શન પણ આપવાના છે.

 દાહોદ નગરમાં ઝાલોદ રોડ સ્થિત નવજીવન કોલેજના પટાંગણમાં સવારે ૧૦ વાગ્યાથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ, મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે પોષણ અભિયાન કાર્યક્રમ યોજાયો છે. જેમાં દાહોદ જિલ્લામાં રેડ ઝોનમાં રહેલા ૪૦૦૦થી વધુ બાળકોને સમાજિક ભાગીદારીથી પોષક વાલી આપવામાં આવશે. સરકારી અધિકારીઓ, સામાજિક, ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓ સહિત કુલ મળી ૧૦૪૭ પાલક વાલી બન્યા છે. આ પાલક વાલીઓ પોષણની દ્રષ્ટિથી બાળકોનું સતત મોનિટરિંગ કરશે.

આ ઉપરાંત, દાહોદ જિલ્લાની સુરક્ષા સવલતોમાં વધારો કરતા વિકાસ કામોનું લોકાર્પણ પણ મુખ્યમંત્રીશ્રી કરવાના છે. જેમાં રૂ. ૬૧.૨૭ લાખના ખર્ચથી લીમખેડામાં નિર્મિત નાયબ પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, રૂ. ૮૧.૨૬ લાખના ખર્ચથી બનેલા સાગટાળા પોલીસ સ્ટેશન, રૂ. ૪૭ લાખના ખર્ચથી બનેલી ગુના શોધક શાખા-દાહોદની કચેરીનું લોકાર્પણ કરવામાં આવશે.

મુખ્યમંત્રીશ્રી પાલક વાલીનું સન્માન કરશે. આ ઉપરાંત રન ફોર પોષણમાં વિજેતા ખેલાડીને રોકડ પુરસ્કારથી નવાજશે.  મહિલા અને બાળ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલા મેગેઝિન સહિયર ગોષ્ઠિ અને ટેક હોમ રાશન રેસેપી બૂક, પોષણ અભિયાન કેલેન્ડરનું વિમોચન કરશે. તદ્દઉપરાંત, કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સબિલીટી અંતર્ગત આંગણવાડીના બાળકોને પોષણની દ્રષ્ટિએ દત્તક લેવા માટેનું ઓનલાઇન પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવશે.

કાર્યક્રમમાં પ્રભારી મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા, રાજ્ય મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે અને શ્રી બચુભાઇ ખાબડ, સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર પણ ઉપસ્થિત રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.