મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૩૧ માર્ચ સુધીના પોતાના તમામ કાર્યક્રમો રદ્દ કર્યા

ગાંધીનગર, કોરોના વાયરસને લઇ સાવચેતીનાં ભાગરૂપે મુખ્યમંત્રી વિજય રુપાણીએ પોતાના આગામી દિવસોનાં જેટલા પણ જાહેર કાર્યક્રમો હતા એ તમામ રદ કરી નાંખ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૩૧ માર્ચ સુધીના પોતાના તમામ કાર્યક્રમો રદ્દ કર્યા છે. કોઈપણ કાર્યક્રમોમા મુખ્યમંત્રી રુપાણી હવેથી ૩૧ માર્ચ સુધી હાજર નહીં રહે. મુખ્યમંત્રી સાથે કે સરકાર સાથે જોડાયેલ કોઈ સરકારી કાર્યક્રમો પણ નહીં યોજાય એવી માહિતી સામે આવી છે.કોરાના વાયરસની સાવધાનીના પગલે ૩૧ માર્ચ સુધીનાં મુખ્યમંત્રીના બધા જ કાર્યક્રમો રદ કરવામાં આવ્યાં. તેમજ સંબંધિત અધિકારીઓ, મંત્રીઓ અને વિભાગો પણ કોઈ જાહેર કાર્યક્રમો ન યોજે તેવી સૂચના આપવામા આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત હવે ધીરે ધીરે કોરોનાના ભરડામાં આવવા લાગ્યું છે. જેથી સાવચેતી રાખવી એ ખુબ જ જરૂરી છે.વડોદરામાં પણ એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. એ સિવાય વડોદરા અમદાવાદ બાદ બનાસકાંઠાના ડીસામાં ૪ તબીબોને શંકાસ્પદ કોરોના જોવા મળ્યો છે. ભણસાલી હોસ્પિટલમાં ૪ તબીબોના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ રીતે હવે નાના મોટા બધા જ વિસ્તારમાં કોરોનાએ ફફડાટ મચાવી નાંખ્યો છે.
ગુજરાતમાં કોરોના વાયરસનો ફેલાવો રોકવા માટે સરકાર સક્રિય બની છે. જે અનુસંધાને સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે જાહેર જનતાને સામુહિક મેળાવડાઓ ન કરવા અથવા પાછળ ઠેલવવા માટે અપીલ કરી છે. સાથે જ સરકારી કચેરીઓ કે સંસ્થાઓ તરફથી યોજતા વર્કશોપ કે સેમિનાર ૩૧મી માર્ચ સુધી ન કરવાની સૂચના આપી છે.
ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી કોરોના વાયરસ અંગે એક પરિપત્ર બાહર પાડવામાં આવ્યો છે. જે પ્રમાણે કોરોના વાયરસનો ફેલાવો શ્વાચ્છોશ્વાસ દ્વારા, ડ્રોપલેટ દ્વારા સીધા સંપર્કથી થતો હોય છે. તકેદારીના પગલારૂપે રાજ્યમાં કોઇ એક જગ્યા પર લાંબા સમય માટે વધુ માણસો ભેગા ન થાય તે હેતુસર તાત્કાલિક અસરથી તમામ સરકારી કચેરીઓ, સંસ્થાઓમાં યોજાતા વર્કશોપ, સેમિનાર, કોન્ફરન્સો તા.૩૧/૦૩/૨૦૨૦ સુધી મોકૂફ રાખવા જણાવવામાં આવે છે.