મુખ્યમંત્રી વિજય રૂપાણીના રસોઈયાને કોરોનાનો ચેપ લાગ્યો
ગાંધીનગર: ગુજરાતમાં વધી રહેલો કોરોના વાયરસનો ચેપ હવે મુખ્યમંત્રીના ઘર સુધી પહોંચી ગયો છે. મળતી માહિતી પ્રમાણે મુખ્યમંત્રી નિવાસ સ્થાને (સીએમ હાઉસ) કામ કરી રહેલા રસોઈયા મહારાજનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. સીએમ હાઉસમાં કામ કરતા સંજય મહારાજ નામના રસોઈયાને કોરોના થયો છે. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.
તેમના પુત્રનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે પરંતુ તેમનો રિપોર્ટ હજી આવવાનો બાકી છે. સીએમ હાઉસ સુધી કોરોના પહોંચતા તંત્ર હરકતમાં આવી ગયું છે. રસોઈયો કયા શાકમાર્કેટમાંથી, કરિણાયા બજારમાંથી વાયરસ લાવ્યો હતો તેનું ટ્રેસિંગ કરાવવામાં આવે તેવી શક્યતા છે. નોંધનીય છે કે ગુજરાતમાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. બુધવારે ગુજરાતમાં રેકોર્ડ ૧૫૪૦ કેસ નોંધાયા હતા.
જે એક દિવસમાં અત્યાર સુધી નોંધાયેલા સૌથી વધુ કેસ છે. બીજી તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું કહેવું છે કે રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગશે તેવી અફવાઓ પણ ચાલી રહી છે પરંતુ મુખ્યમંત્રીએ લોકડાઉનની જરૂર ન હોવાનું કહ્યું છે. મુખ્યમંત્રી વિજય રુપાણીએ જણાવ્યું છે કે, રાજ્યના ચાર મહાનગરોમાં જ રાતના ૯થી સવારના ૬ સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે. કોરોનાના સંક્રમણને રોકવા સરકાર કટિબદ્ધ છે. સરકારની ફરજ એ છે કે ઓછામાં ઓછું સક્રમણ થાય, અને જે લોકો કોરોનામાં સપડાય છે
તેમને તરત જ સારામાં સારી સારવાર મળે અને જલદી સાજા થઈને પાછા ઘરે જાય. આ સરકારની જવાબદારી છે. રુપાણીએ લોકો સરકારે જાહેર કરેલા નિયમોનું પાલન કરે તે જરુરી છે તેમ જણાવીને કહ્યું છે કે, રાજ્યમાં એવી કોઈ ખરાબ પરિસ્થિતિ નથી અને લોકોએ ગભરાવાની જરાય જરુર નથી. પરંતુ લોકો સાવચેત રહે અને માસ્ક જરુર પહેરે, સોશિયલ ડિસ્ટન્સ રાખે, ભીડમાં જવાનું ટાળે, ભીડ થાય તેવું કૃત્ય કોઈ કરે પણ નહીં.
લોકડાઉન લાગુ થશે તેવી અફવાઓને ફગાવીને તેમણે કહ્યું છે કે, જે કોઈ અફવાઓ ચાલે છે તે ખોટી છે, કોઈ લોકડાઉન આવવાનું નથી. ફરીથી કર્ફ્યૂ આવશે તે પણ ખોટી વાત છે. તેમણે એ પણ ઉમેર્યું કે કોરોના વકરે તો સમય પ્રમાણે જે જરુરી હશે તે ર્નિણય કરીશું. લોકોની સલામતી પહેલી પ્રાથમિકતા છે.